1. Home
  2. ગુજરાતી
  3. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી જીતીને 2-0 થી શ્રેણી જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મો ટેસ્ટ શ્રેણીનો વિજય છે. આ સાથે, ભારતે કોઈ પણ પ્રતિસ્પર્ધી સામે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે મેળવી લીધો છે. ભારત પહેલા, દક્ષિણ આફ્રિકાની ટીમે 1998થી 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10 ટેસ્ટ શ્રેણી જીતી હતી.

ઓસ્ટ્રેલિયાએ 2000થી 2022 દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ સામે સતત નવ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે 1989થી 2003 દરમિયાન ઈંગ્લેન્ડ સામે સતત 8 ટેસ્ટ શ્રેણી જીતી હતી. વેસ્ટ ઈન્ડીઝ ભારતમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે સતત 6 ટેસ્ટ મેચ હારી છે. ભારતમાં વેસ્ટ ઈન્ડીઝ સામે આ હારનો સિલસિલો ડેરેન સેમી કેપ્ટન હતા ત્યારે શરૂ થયો હતો. હાલમાં, તેઓ ટીમના કોચ છે.
ભારતે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને સાત વિકેટથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી હતી.

સેન્ચ્યુરીયન યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન શુભમન ગિલ, મેચમાં આઠ વિકેટ લેનાર કુલદીપ યાદવે ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ટોસ જીતીને બેટિંગ પસંદ કરનારી ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો દાવ 518/5 પર ડિકલેર કર્યો. ઓપનર યશસ્વી જયસ્વાલે 175 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શુભમન ગિલે અણનમ 129 રન બનાવ્યા. વિપક્ષ તરફથી જોમેલ વોરિકને 3 વિકેટ લીધી. જવાબમાં, વેસ્ટ ઈન્ડીઝની ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી એલિક એથાનાસે સૌથી વધુ 41 રન બનાવ્યા, જ્યારે શાઈ હોપે 36 રન બનાવ્યા.

ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી. આ સાથે, ભારતે પ્રથમ ઈનિંગના આધારે 270 રનની મોટી લીડ મેળવી, જેનાથી મુલાકાતી ટીમને ફોલોઓન કરવાની ફરજ પડી. બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત બાદ, વેસ્ટ ઇન્ડીઝને જોન કેમ્પબેલ (115) અને શાઈ હોપ (103) એ ટેકો આપ્યો. જસ્ટિન ઇમ્લાચે પણ અણનમ 50 રન બનાવીને ટીમને 390 રન સુધી પહોંચાડી. આ ઈનિંગમાં ભારત તરફથી કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે બે વિકેટ લીધી.

ભારતને જીતવા માટે 121 રનનો આરામદાયક લક્ષ્યાંક મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા ભારતે યશસ્વી જયસ્વાલ (8) ને ફક્ત નવ રનમાં ગુમાવી દીધી. ત્યારબાદ કેએલ રાહુલ અને સાઈ સુદર્શને બીજી વિકેટ માટે 79 રન ઉમેરીને ટીમને વિજયની નજીક પહોંચાડી, પરંતુ સાઈ સુદર્શન (39)ના આઉટ થયા પછી, ટીમે શુભમન ગિલ (13) ના રૂપમાં વધુ 2 વિકેટ ઝડપથી ગુમાવી દીધી.ત્યાંથી, કેએલ રાહુલે અડધી સદી ફટકારીને ટીમને વિજય તરફ દોરી. રાહુલ 58 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં તેણે 2 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે આ ઈનિંગમાં 2 વિકેટ લીધી, જ્યારે જોમેલ વોરિકને એક વિકેટ લીધી. ભારતે અમદાવાદમાં શ્રેણીની પહેલી મેચ એક ઇનિંગ અને 140 રનથી જીતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code