1. Home
  2. ગુજરાતી
  3. ‘ભારતમાં બનેલી’ ચિપ્સ પર ચાલતી ટેલિકોમ સિસ્ટમે સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરી
‘ભારતમાં બનેલી’ ચિપ્સ પર ચાલતી ટેલિકોમ સિસ્ટમે સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરી

‘ભારતમાં બનેલી’ ચિપ્સ પર ચાલતી ટેલિકોમ સિસ્ટમે સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરી

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે મેડ ઈન ઈન્ડિયા ચિપ્સનો ઉપયોગ કરનાર ટેલિકોમ સિસ્ટમને સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ પાસ કરતાં ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સેન્ટર (TEC) તરફથી સર્ટિફિકેશન મળી ચુક્યું છે. કેન્દ્રીય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ પ્રગતિની પ્રશંસા કરતાં તેને દેશના સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે એક મોટી છલાંગ ગણાવી. અશ્વિની વૈષ્ણવે લખ્યું : “ભારતની સેમિકન્ડક્ટર યાત્રા માટે એક મોટી છલાંગ! પહેલીવાર, ‘ભારતમાં બનેલી’ ચિપ્સ પર ચાલતી ટેલિકોમ સિસ્ટમે સ્ટાન્ડર્ડ્સ અને ક્વાલિટી ટેસ્ટ (TEC સર્ટિફિકેશન) પાસ કર્યું છે.”

ટી.ઈ.સી. સર્ટિફિકેશન ટેલિકોમ વિભાગનો ગુણવત્તા ધોરણ છે, જે ખાતરી કરે છે કે ટેલિકોમ સાધનો કડક પ્રદર્શન અને સલામતી ધોરણોને પૂર્ણ કરે છે. ઘરઆંગણે રોલઆઉટને મંજૂરી મળતાં આ સર્ટિફિકેશન ભારતની ચિપ્સને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવે છે, જેથી નિકાસના અવસર પણ ખુલે છે. આ સિદ્ધિ આયાતી સેમિકન્ડક્ટર પરની નિર્ભરતા ઘટાડવામાં એક મોટું પગલું છે. ખાસ કરીને તાજેતરમાં વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અછતને ધ્યાનમાં લેતાં વિશ્લેષકોનું કહેવું છે કે ડિઝાઇન, એસેમ્બલી, ટેસ્ટિંગ અને ઈન્ટિગ્રેશનમાં ક્ષમતા વધારવાની ભારતની વ્યૂહરચના સપ્લાય ચેઇનની ખામીઓને દૂર કરવામાં મદદરૂપ થશે.

હાલમાં તાઈવાન, દક્ષિણ કોરિયા, જાપાન, ચીન અને અમેરિકા ચિપ ઉત્પાદન કરતા દેશ છે, જેના કેન્દ્રિકરણને કારણે સપ્લાય ચેઇનમાં જોખમ ઊભાં થાય છે, જેને ભારત ઘટાડવા ઈચ્છે છે. સેમિકન્ડક્ટર લિથોગ્રાફીમાં વૈશ્વિક અગ્રણી અને સેમિકન્ડક્ટર સાધન ઉત્પાદક ASML Holding NVએ તાજેતરમાં ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી મજબૂત કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે 2021માં 76,000 કરોડ રૂપિયાની ઉત્પાદન-આધારિત પ્રોત્સાહન (PLI) યોજના સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) શરૂ થયું હતું. આ યોજના હેઠળ મંજૂર થયેલી પ્રોજેક્ટ્સની કુલ કિંમત ₹1.60 લાખ કરોડ છે, જેમાં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની ₹91,000 કરોડની ફેબ, સાણંદમાં માઇક્રોનની ₹22,516 કરોડની પેકેજિંગ સુવિધા અને ઓગસ્ટમાં શરૂ થયેલી CG Powerની નવી OSAT પાયલોટ લાઇનનો સમાવેશ થાય છે.

ભારત હાલ 28nm-65nm રેન્જના મૅચ્યોર નોડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે ટેલિકોમ, ઓટોમોટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ માટે જરૂરી છે. ભારતનો સેમિકન્ડક્ટર બજાર 2023માં 38 અબજ ડોલરનો હતો, જે 2024-25માં 45થી 50 અબજ ડોલર સુધી પહોંચશે અને 2030 સુધી 100 થી 110 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. વૈશ્વિક સ્તરે, સેમિકન્ડક્ટર માર્કેટ એ જ વર્ષે 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code