- કમલમ ખાતે ભાજપ પ્રદેશ કમિટીની બેઠક મળી,
 - વડાપ્રધાન મોદીનો જન્મદિન સેવા સપ્તાહના રૂપમાં મનાવાશે,
 - પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ પણ નજીકના ભવિષ્યમાં મળશે
 
અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલા સવારે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી ‘સેવા પખવાડિયા’ના આયોજન માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. પાર્ટીના તમામ પદાધિકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિતિ રહ્યા હતા. આ બેઠકમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાટિલે પ્રદેશના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ મોટો સંકેત આપતાં કહ્યું, ‘ટૂંક સમયમાં આપણને નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે અને સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે’. પાટીલના આ નિવેદનથી ગુજરાત ભાજપમાં નજીકના સમયમાં મોટા ફેરફારો થવાની અટકળોએ ફરીવાર જોર પકડ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ગુજરાત ભાજપ પ્રદેશ કમિટીની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મોટા પ્રમાણમાં સેવા પખવાડિયાનાં કાર્યો અને આયોજન અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ સંકેત આપ્યો હતો. પાટીલે બેઠકમાં કહ્યું હતું કે ‘આપણે જલદીથી બે વખત મળીશું, ટૂંક સમયમાં આપણને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. આ સાથે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે અને જેને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળે તેને શુભેચ્છા’. પાટીલના આ નિવેદનથી ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થવાની અટકળોએ ચર્ચાનું જોર પકડ્યું છે.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાનારા ‘સેવા પખવાડિયા’નાં કાર્યો અને આયોજન અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં લગભગ 50 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, એમ છતાં મોટા ભાગના ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો અને કેટલાક સાંસદો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા પખવાડિયાનાં વિવિધ આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

