
- કેનાલ બનાવ્યાને 20 વર્ષ થયા હજુ પાણી છોડાયું નથી
- કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ઝાળી-ઝાંખરા ઉગી નિકળ્યા
- ખેડુતોએ અનેકવાર રજુઆતો કરી છતાંય તંત્રની ઉપેક્ષા
સુરેન્દ્રનગરઃ નર્મદા યોજનાનો ઝાલાવાડ પંથકને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના પાણી દરેક ખેતરો સુધી પહોંચાડવા માટે કેનાલો, બ્રાન્ચ કેનાલો અને પેટા કેનાલો બનાવવામાં આવી છે. જેમાં 20 વર્ષ પહેલા વઢવાણ તાલુકાના માળોદ ગામ પાસે પેટા કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવ્યા બાદ 20 વર્ષથી પાણીનું એક ટીપું પણ છોડવામાં નથી આવ્યું. પાણી વિના કેનાલ જર્જરિત બની ગઈ છે. કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડ્યા છે. ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ અંદાજે 20 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી પરંતુ નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવ્યા બાદ 20 વર્ષથી પાણીનું એક ટીપું પણ છોડવામાં નથી આવ્યું અને કેનાલની જાળવણીના અભાવે કરોડો રૃપિયાના ખર્ચે બનાવેલી કેનાલ હાલ નામશેષ થવાના આરે છે ત્યારે કેનાલ બનાવવા માટે જમીન સંપાદનમાં પોતાની જમીન ગુમાવનારા ખેડૂતો છેલ્લા 20 વર્ષથી પાણીની રાહ જોઇ રહ્યાં છે.
આ વિસ્તારના ખેડુતોના કહેવા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ જ જોવા મળી રહી છે. વઢવાણ તાલુકાના માળોદ ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ અંદાજે 20 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. તે સમયે ખેડૂતોને પિયત માટે પુરતું પાણી મળશે તેવી આશા બંધાઈ હતી પરંતુ નર્મદા વિભાગે ખેડૂતોની લાખો રૂપિયાની જમીન કેનાલ બનાવવા માટે સંપાદન કર્યા બાદ કેનાલ પણ બનાવી દીધી હતી. પરંતુ કેનાલ બનાવ્યા પછી નર્મદા વિભાગ જાણે આ કેનાલમાં પાણી છોડવાનું ભુલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ચોંકાવનારી વાત એ છે કે અંદાજે 20 વર્ષ પહેલા બનાવેલી કેનાલમાં આજ દિવસ સુધી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી અને જાળવણીના અભાવે આ કેનાલમાં હાલ ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યાં છે તેમજ સમગ્ર કેનાલમાં ઝાડી ઝાંખરા પણ ઉગી નિકળ્યા છે અને અમુક જગ્યાએ તો કેનાલ સાવ બુરાઇ ગઇ છે. આથી આ કેનાલમાં જો પાણી આપવામાં આવે તો માળોદ, વાઘેલા અને ટીંબા સહીતના ગામોની અંદાજે 5000 એકર જમીનને પિયતનો લાભ મળી શકે તેમ છે.
ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો દ્વારા આ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં તેમની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાઇને પાછી ફરતી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આથી રજૂઆત કરી થાકેલા ખેડૂતોએ કેનાલમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી પાણી આપવાની તેમજ કેનાલ રીપેરીંગની માંગ કરી હતી. છેલ્લા 20 વર્ષથી કેનાલમાં પાણીની રાહ જોતા ખેડૂતોની ધીરજનો હવે અંત આવ્યો છે અને આ મામલે નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.