વડોદરા, 16 જાન્યુઆરી 2026: શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં રહેતો પરિવાર ઉત્તરાણની રજાઓમાં ઉદેપુર ફરવા માટે ગયો હતો. ત્યારે તસ્કરોએ રોકડ-દાગીના સહિત રૂપિયા 18 લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જો કે બંગલામાં લગાલેવા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા. જેમાં દેખાય છે કે, તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઈન-શર્ટ કરી એક્ઝિક્યૂટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા હતા. આ મામલે સમા પોલીસે ગુનો નોંધીને સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા નરેશ પટેલ આર્યા એન્ટરપ્રાઇઝ નામથી ડામરની બાય પ્રોડક્ટ લે-વેચ કરે છે, સાથે જ તેઓ નંદેસરી સ્થિત ઓજાસ ટારમેક કંપનીના પ્રોડક્ટ મેનેજર છે. ગત 12 જાન્યુઆરીના રોજ તેઓ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા હતા. ઉત્તરાયણના રોજ સવારે નરેશ પટેલના મિત્ર સંજય રાણા તેમના ઘરે ગયા હતા. આ સમયે તેમણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો, જેથી સંજય રાણાએ તત જ નરેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને સામાન વિરવિખેર છે. ઉદયપુરથી પરત આવ્યા બાદ નરેશ પટેલે ઘરમાં તપાસ કરતા 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ગાયબ હતા, જેને પગલે તેમણે પોલીસને જાણ કરી હતી. સમા પોલીસ તેમના ઘરે પહોંચી હતી. તપાસ દરમિયાન ચોરી થયાનું માલૂમ પડતાં સમા પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોલીસે ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેઝની ચકાસણી કરતાં ઇસ્ત્રી ટાઇટ કપડાંમાં આવેલા તસ્કરો કેદ થયા હતાં. એક વ્યક્તિ 2.11 વાગ્યે ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડ વોલ કૂદીને ઘરની બહારની લાઇટ બંધ કરીને નીકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. કોઈને શંકા ન જાય એટલે તસ્કરો ફોર્મલ કપડાંમાં આવ્યા હતા અને ઘરમાં બિન્દાસ્ત ફરતા હતા. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઈટ બંધ કરતો પણ દેખાય છે. એક વ્યક્તિ ઘરની બહાર ઊભા રહીને વોચ રાખતો હતો. બહાર અવાજ થતાં કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દીવાલ કૂદી ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા, જોકે લોકોને કહેવા પ્રમાણે 3 તસ્કરો હતા, જેમાંથી બે તસ્કર ઘરમાં ઘૂસ્યા હતા અને એક તસ્કર ઘરની બહાર વોચમાં હતો.


