1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત સરકાર શાળામાં ભણતી 3.5 લાખ દીકરીઓને બે વર્ષથી સાયકલ આપી શકતી નથી
ગુજરાત સરકાર શાળામાં ભણતી 3.5 લાખ દીકરીઓને બે વર્ષથી સાયકલ આપી શકતી નથી

ગુજરાત સરકાર શાળામાં ભણતી 3.5 લાખ દીકરીઓને બે વર્ષથી સાયકલ આપી શકતી નથી

0
Social Share
  • સાયકલ કૌભાંડમાં સરકારે કોઈ જ પગલાં ન લીધા,
  • માનીતાને કોન્ટ્રાક્ટ આપી ભાજપે ચંદા દો ધંધા લ્યોને સાબિત કર્યુઃ કોંગ્રેસ
  • સરસ્વતી સાધના યાજના હેઠળ સાયકલો કેમ અપાતી નથી

ગાંધીનગરઃ  ગુજરાતની ડબલ એન્જીનની સરકાર બેટી પઢાવોના ખુબ મોટા સ્લોગનો આપે છે, પ્રજાના ટેક્ષના પૈસાથી એનો પ્રચાર-પ્રસાર અને પ્રસિદ્ધિ કરવામાં આવે, અને આ બંને એન્જીન એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ભેગા થઈને પણ આજે બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ગુજરાતની લગભગ 3.5 લાખ દીકરીઓને ઘરેથી શાળાએ જવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપી શકતી નથી. તેમ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2023-24માં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમાજની ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે સરકારે શૈક્ષણિક સત્ર ચાલુ થાય ત્યારે જુન 2023માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઇ, સાયકલ ખરીદવા માટેના ટેન્ડરમાં પણ વિલંબ થયો. એની પાછળનું એક જ કારણ હતું કે મુખ્યમંત્રીના કાર્યાલયની સીધી સુચનાથી પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાકટ અપાવવા માટે, ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે તેની પાસે “ચંદા દો ધંધા લો”ના નિયમ મુજબ ભાજપની જે કાર્યપદ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો, એના સ્પેસીફીકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો, સાયકલના સ્પેસીફીકેશન અને ગુણવત્તા બાબતની SPSPC છે એને ઓવરરુલ કરી ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે. ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવી છે, કંપની અને કોન્ટ્રાકટ આપવામાં આવે છે એ બીજા રાજ્યો કરતા 500 રૂપિયા વધારે ચૂકવીને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. એક લાખ 70 હજાર સાયકલ અને 500 રૂપિયા ગણીએ તો લગભગ 8 કરોડ કરતા વધારેની રકમ ચૂકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી હશે?

તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, કંપની દ્વારા ભાજપને ચૂંટણીમાં મોટું ફંડ મળ્યું હશે. એ ખરીદવાના ઓર્ડર આપ્યા પછી એપ્રિલ 2024માં સાયકલની ડીલીવરી આવે ત્યારે EQDC ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવતા બાબતની એના સ્પેસીફીકેશન મુજબ, ટેન્ડરની કંડીશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. એમાં સ્પષ્ટ માલુમ થાય છે કે, હલકી ગુણવત્તાવાળી, સ્પેસીફીકેશન મુજબ ન હોવાની અને આઈ.એસ.આઈ. માર્કના ધોરણોને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. EQDC દ્વારા જેને ચકાસણીમાં ફેલ કરવામાં આવે છે. ત્યારથી આજદિન સુધી સાયકલો હજારોની સંખ્યામાં જિલ્લાઓમાં ધૂળ ખાઈ રહી છે, દરેક જિલ્લામાં ભંગાર હાલતમાં છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે,   કોંગ્રેસ દ્વારા  આ પહેલા પણ સરકારને લેખિત રજુઆતો કરી અને 16 જુલાઈ 2024માં પ્રેસ કોન્ફરન્સ કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થયું છે અને લગભગ 8 થી દસ કરોડ રૂપિયાનું કૌભાંડ છે તેથી સરકાર સમક્ષ તપાસની માંગણી કરી હતી. સરકારના મંત્રી  ઋષિકેશભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે, સરકાર આને ગંભીરતાથી લેશે અને તાત્કાલિક એની તપાસ કરાવીશું. એ વાતને લગભગ 6 મહિના જેટલો સમય થયો હજુ સુધી તપાસ કેમ નથી કરવામાં આવી? શું છુપાવવા માંગો છો? કોને બચાવવા માંગો છો? કૌભાંડના પૈસા પાછા ના આપવા પડે એના માટે છુપાવો છો? વિલંબ કરો છો? અને ત્યાર પછી 30 જુલાઈના રોજ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, 9મી ડિસેમ્બરે ફરીથી મુખ્યમંત્રીને તાત્કાલિક તપાસ કરવા પત્ર લખ્યો અને તાત્કાલિક દીકરીઓને સાયકલ મળે તે માટેની કાર્યવાહી કરો. પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code