સુરત, 26 જાન્યુઆરી 2026: રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ વોટ્સઅપ પર ફોન કરીને ખાસ કરીને સિનિયર સિટિજનને ધમકી આપીને ડિજિટલ એરેસ્ટ કરીને બેન્કની વિગતો મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હોય છે. ત્યારે સુરતમાં વેસુના 61 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.71 કરોડ પડાવનાર ટોળકીના વધુ એક ઠગ આરોપીને દિલ્હી એરપોર્ટથી દબોચી લીધો હતો. આરોપી દિલ્હીથી રશિયા ભાગી જવાની ફિરાકમાં હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
સાયબર ક્રાઇમ સેલના સૂત્રોના કહેવા મુજબ સુરતના વેસુ ખાતે રહેતા 61 વર્ષીય વૃદ્ધને એક અધિકારીના નામે ફોન કરી આધારકાર્ડ પર સીમકાર્ડ એક્ટીવ થયું છે. આ બેંક એકાઉન્ટમાં મોટાપાયે નાણાકીય વ્યવહારો થયા છે. જેથી મની લોન્ડ્રીંગ અને ફ્રોડ કેસમાં સંડોવણી હોવાનું જણાવી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ધમકાવ્યા હતા. બાદમાં ઠગબાજોએ તેમને ડિજિટલ અરેસ્ટ કરી અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં રૂ.1.71 કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર સેલે આ ગુનામાં અગાઉ આરોપી મુકેશભાઈ મગનભાઈ પટેલ અને મેહુલભાઈ રણછોડભાઈ પટેલને ઝડપી પાડયા હતા. બાદમાં આ ઠગ ટોળકીના વધુ આરોપીઓ ડુંગરસિંહ અરજનસિંહ દેવાજી રાજપૂત, કેસરસિંહ મોડસિંહ દેવડા અને રામેશ્વર પોપટભાઈ સુથારને ઝડપી પડ્યા હતા. બાદમાં સાયબર ક્રાઇમ સેલ પોલીસે આ ગુનામાં વધુ એક આરોપી શંકર સોમાભાઇ ખેમસીભાઇ ચૌધરી (ઉ.વ.37, રહે.પટેલ વાસ ગામ-ભાજણા, તા.ધાનેરા બનાસકાંઠા) ને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડયો હતો.
ડિજિટલ એરેસ્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીનાઓની લુક આઉટ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. જે આધારે આરોપી શંકર સોમાભાઇ ચૌધરી દિલ્હીથી રશિયા જઈ રહ્યો હતો. દરમિયાન દિલ્હી એરપોર્ટ ખાતેથી સાયબર ક્રાઈમ સેલ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં એવી વિગતો મળી છે કે, આરોપી શંકર ચૈધરીએ આ ગુનામાં અગાઉ પકડાયેલા કેસરસિંહ દેવડા તથા ડુંગરસિંહ રાજપુતનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું કરંટ બેંક એકાઉન્ટ ટ્રાન્જેક્શનના સાડા ત્રણ ટકા કમિશન ઉપર આરોપી રામેશ્વરભાઇ સુથાર પાસેથી મેળવી આ એકાઉન્ટ ટ્રાન્જેક્શનના 4 ટકા કમિશન ઉપર આગળ નાસતા ફરતા આરોપીનાઓને સાયબર ફ્રોડના ઉપયોગ માટે આપ્યુ હતુ. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે.


