વડોદરા, 12 જાન્યુઆરી 2026: સમાજમાં કન્યા ન મળતી હોય એવા લગ્નવાંચ્છુ યુવાનો અને તેના પરિવારને શોધીને ઠગ ટોળકી કન્યા બતાવીને યુવાનના લગ્ન કરાવી દેતા હતા. ત્યારબાદ નવોઢા બનીને આવેલી યુવતી પ્લાન મુજબ ઘરમાંથી સોનાના ઘરેણા અને રોકડ રકમ લઈને નાસી જતી હતી. રાજ્યમાં આવા બનાવો વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનારી લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને વડોદરાની મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ આ ટોળકીના બે સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે હજુ લૂંટેરી દુલ્હન સહિત ત્રણ આરોપી વોન્ટેડ છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના તરસાલી ખાતે રહેતી સોનાલીબેનના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ગામે રહેતા તારાબેન ભલગામાના દીકરા લાલજી મનસુખભાઇ ભલગામા સાથે લગ્ન કરાવી નોટરાઇઝ સોગંદનામુ તથા લગ્ન સબંધી સમજુતી કરાર કરાવી રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેંદ્ર પ્રજાપતિ, નાજીર તથા શરીફાબેન બચુભાઈ મુસ્લિમ તથા તોસીફ બચુભાઈ મુસ્લિમ દ્વારા તેમની પાસેથી રોકડા તથા ઓનલાઇન મળી કુલ રૂપિયા 3.28 લાખ, સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય રોકડ રકમ, મોબાઇલ ફોન તમામ મળી રૂપિયા 3.75 લાખ પડાવી લીધા હતાં.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ લગ્ન બાદ આરોપીઓએ સાસરીમાંથી એકવાર પિયરમાં સોનાલીને તેડી લાવ્યા હતા. દુલ્હન પણ સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ આવી ગઈ હતી. જેના કારણે દુલ્હન સોનાલીને પરત સાસરીમાં પરત નહી મોકલી યુવક તથા મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનારી લૂંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે.ગોરાદ ગામ, પ્રજાપતિવાસ પો.સ્ટ.ગોરાડ તા-જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો.
આ ઘટનામાં પોલીસે અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી તથા સરીફાબેન બચુભાઈ સંધી ઝડપાયા હતા. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ તથા હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ તથા નજીરભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે.


