- રેશનના દૂકાનદારોને ઓક્ટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી,
- તૂવેરદાળ અને ચણાના 74 કરોડ સરકારમાં ફસાયા,
- વેપારીઓના કરોડો ફસાયા છતાં ડિસેમ્બરની પરમિટના નાણાં 29મી સુધીમાં ભરવા તાકીદ,
અમદાવાદઃ રાજ્યના રેશનિંગના દૂકાનદારોની મુશ્કેલીનો અંત આવતો નથી. રેશનિંગના દુકાનદારોને ઓકટોબર મહિનાનું અડધુ કમિશન હજુ ચુકવાયુ નથી. રેશનિંગના દુકાનદારોને અનાજ તથા જુદી-જુદી એજન્સીઓના વિતરણના બદલામાં ચૂકવવાનુ થતું કમિશન ક્યારેય સમયસર ચૂકવવામાં આવતું નથી. તેમજ તુવેરદાળ અને ચણા પેટે એડવાન્સમાં ચુકવેલા રૂ.74 કરોડ સરકારમાં ફસાયા છે.
સૂત્રોના કહેવા મુજબ રેશનિંગના દૂકાનદારોને કમિશન સિવાય રાજ્ય સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓના નાણાં વેપારી દ્વારા ભરવાના થતા હોય છે પરંતુ ઘણી વખત આ અમુક જણસીઓ ગોડાઉન ખાતે હાજર ન હોય અને આવી જણસીઓ દુકાન ખાતે ફાળવવામાં આવતી ન હોય ત્યારે દુકાનદારે આ જણસીઓ માટે ભરેલા નાણાં પરત કરવાના હોય છે. રેશનિંગના દૂકાનદારોએ ઓક્ટોબર માસમાં દાળના પૈસા ભર્યા હતા. તે દાળનો જથ્થો અપાયો ન હોવાના કારણે દૂકાનદારોના પૈસા ફસાયા છે, તે તેમને પરત કરવામાં આવ્યા નથી, આમ કમિશન અને રિફંડ બંનેના નાણાં ફસાયા હોય આગામી માસના વિતરણ માટે રાજ્ય સરકાર દ્વારા અપાતી પરમિટના નાણાં ભરવા માટે વેપારી ભાઈઓ મૂંઝવણમાં છે. પોતાના કમિશન તથા રિફંડના પૈસા સમયસર ચૂકવવામાં આવતા નથી. વેપારી ભાઈઓને જે કમિશન ચૂકવવામાં આવે છે એ કમિશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અડધું અડધું ચૂકવવામાં આવે છે. આ સિવાયનું રાજ્ય સરકાર દ્વારા જે વધારાનું કમિશન તથા મિનિમમ કમિશન માટેની તફાવતની રકમ ચૂકવવામાં આવે છે. એ જ રકમ ચૂકવાઇ ગઈ છે પરંતુ રેગ્યુલર કમિશન અને કુપન ક્રેડિટ કે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 50-50% ચૂકવવામાં આવે છે તે ઓક્ટોબર માસ માટે બિલકુલ ચૂકવવામાં આવી નથી.
ગુજરાતભરના સસ્તા અનાજના દુકાનદારોના આશરે 60+14=74 કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારમાં ફસાયેલી છે, આ નાણાં ચૂકવવાની વાત તો દૂર રહી તેને બદલે પુરવઠા વિભાગ દ્વારા ડિસેમ્બર મહિના માટે ફરીથી તુવેરદાળ અને ચણાની પરમિટ મૂકી તા.29 નવેમ્બર સુધી નાણાં ભરી દેવા દુકાનદારોને તાકીદ કરવામાં આવી છે. જેના માટે વેપારીઓએ ફરીથી લગભગ તેટલી જ રકમ ભરવાની થાય છે ત્યારે જૂના નાણાં ફસાયેલા અને જથ્થો ન મળ્યો નથી ત્યારે નાણાંની ઉઘરાણી કરાતાં દુકાનદારોમાં નારાજગી જોવા મળી રહી છે.


