- રોડ ઉબડ-ખાબડ બનતા વાહનચાલકો પરેશાન,
 - લોકોની રજુઆત છતાં તંત્ર સાભળતું નથી,
 - ભંગાર બનેલો રોડ ત્વરિત મરામત કરવા માગણી
 
પાલનપુરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેમાં શહેરના એરોમા સર્કલથી રેલ્વે અંડરબ્રિજ જવાનો મુખ્ય રસ્તો પહેલાં વરસાદમાં જ તૂટી ગયો હતો છતાં હજૂ સુધી રીપેર કરવામાં આવ્યો નથી. આ ઉબડ-ખાબડ રોડ પરથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સત્વરે આ રોડને મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
પાલનપુર શહેરના એરોમા સર્કલથી રેલવે અન્ડરબ્રિજ તરફ જતો રોડ ઉબડ-ખાબડ બની રહ્યો છે. આ રોડ શ્રીજી મોટર્સ સામે તો સાવ તૂટી ગયો છે. જેથી વાહનચાલકો વાહન રોડની બાજુમાંથી ચાલવા મજબૂર બન્યા છે. ઓવરબ્રિજ નીચે પણ રોડ તૂટી ગયો છે જે રીપેર કરવાની માંગ ઉઠવા પામી હતી. દર વર્ષે અહીં પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી જાય છે. આ સમસ્યા ઘણા વર્ષો જૂની છે. બંને બાજુ ઢાળ છે. જ્યારે શ્રીજી મોટર્સે આગળ ખાડા જેવો ભાગ હોવાથી વરસાદી પાણી અહીં ભેગું થઈને પડી રહે છે. જેના કારણે વારંવાર રોડ તૂટી જાય છે. આ વર્ષે મહિના અગાઉ પ્રથમ વરસાદમાં જ રોડ તૂટી ગયો હતો. શહેરમાં ખાડાઓ રીપેર કર્યા હતા પરંતુ તંત્રને આ તૂટેલો રોડ દેખાયો ન હતો. દિવસ દરમિયાન હજારો વાહનો અહીંથી પસાર થાય છે. ઓવરબ્રિજની નીચે થઈને આકેસણ રોડ તરફ જવાનો રસ્તો પણ તૂટી ગયો છે. જેથી આ બંન્ને જગ્યાએ તાત્કાલિક ધોરણે રોડ રીપેર કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠવા પામી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

