અમદાવાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક નવીન નજરાણા સમાન ‘એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ‘ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય‘ ખાતે બરડા જંગલ સફારી‘ ફેઝ-૧નો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ મહાનુભાવોના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી જંગલ સફારી રૂપે આપણા બરડા વિસ્તારને દિવાળી ખૂબ જ મોટી ભેટ મળી છે. જંગલ સફારી તો માત્ર શરૂઆત છે રાજ્ય સરકાર દ્વારા આવનારા સમયમાં બરડા વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો થનારા છે. ૧૪૩ વર્ષ બાદ કુદરતી રીતે વિચરતા સિંહો બરડામાં પરત આવતા જતા બરડો એશીયાઇ સિંહોનું બીજું રહેઠાણ બન્યો છે જે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનો પર્વ મંગલ કાર્યો કરવા માટે શુભ સમય છે ત્યારે બરડામાં જંગલ સફારી પ્રારંભ પણ તેનો ભાગ છે. જેમ પ્રવાસીઓ સાસણ ગીરમાં એશિયાઇ સિંહો નિહાળવા માટે આવે છે તેમ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બરડામાં પણ આવશે. સાસણ ગીર, પોરબંદર નજીક મોકર સાગર વેટલેન્ડ , પોરબંદર પક્ષી અભયારણ્ય , માધવપુરનો રમણીય બીચ, શિવરાજપુર બીચ, સોમનાથ તથા દ્વારકા મંદિર ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ હવે બરડામાં પણ આવશે. જેના પરિણામે બરડો પંથક પ્રવાસન ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન મેળવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી ઘણા સમય પૂર્વે બરડા ડુંગર વિસ્તારમાં બનાવેલા ચેક ડેમો વર્ષાઋતુમાં જળ સંચય પરિણામે વન્યજીવો માટે ખૂબ જ ઉપયોગી બન્યા છે. બરડો એ માત્ર વન્યજીવો નિવાસ નહિ પરંતુ અદ્વિતિય ઔષધિઓ માટે પણ જાણીતો છે. પર્યાવરણ જતન અને સંવર્ધન માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે. જેના પરિણામે વન્ય જીવસૃષ્ટિનું સંરક્ષણ શક્યા બન્યું છે. બરડા સહિતના વિસ્તારમાં માલધારીઓ બહોળી સંખ્યામાં નિવાસ કરે છે. જંગલ સફારી પ્રારંભ થતાં માલધારીઓ માટે રોજગારીની અનેક તકો નિર્માણ થશે તેમજ પ્રવાસીઓને પણ ગ્રામીણ સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ નજીકથી જાણવાનો એક લહાવો પ્રાપ્ત થશે. એશિયાટિક સિંહોના બરડામા વસવાટ થતા બરડા પંથકની પ્રજામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. મારો સૌ નાગરિકોને અનુરોધ છે કે વન તથા વન્યજીવો સંરક્ષણ માટે આપણે સૌ સાથે મળી સહકાર આપીએ.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો આપણે જંગલો રક્ષણ કરીશું તો જ વન્યજીવ સૃષ્ટિનું રક્ષણ થશે. ગીર વન્યજીવ અભ્યારણ્ય બાદ હવે બરડામાં પણ સિંહો હાજરીથી પ્રવાસીઓને નવું નજરાણું પ્રાપ્ત થયું છે. વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શન થકી સોમનાથ થી દ્વારકા સુધીના અનેક પ્રવાસન સ્થળો વિકાસ થયો છે જેનો સીધો લાભ આપણે સૌને મળ્યો છે. પ્રવાસન સ્થળોમાં વિકાસ થવાને પરિણામે નાગરિકોના જીવનમાં પણ ઉન્નતિ થઈ છે. વન્યજીવો સંરક્ષણ અને પર્યાવરણ જતન કરવાની નૈતિક જવાબદારી આપણા સૌની છે. તો ચાલો આપણે પર્યાવરણનું સંવર્ધન કરી આપણી આગામી પેઢીને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીએ.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

