- સવારે 6 વાગ્યાથી રાતના 9વાગ્યા સુધી દર્શન કરી શકાશે,
- બપોરે અન્નકૂટ સાથે માતાજીને રાજભોગ ધરાવાશે,
- નવા વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રકાશનું પર્વ દિવાળી 1 લી નવેમ્બરે ઊજવાશે. જ્યારે બેસતું વર્ષ બીજી નવેમ્બરે ઉજવવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. જેના વિશેષ દર્શન શ્રધ્ધાળુઓ કરી શકશે. છપ્પન ભોગ અન્નકૂટ બપોરે 12-00 કલાકે રાજભોગ સાથે ધરાવવાનો હોય સવારે મંદિર 11-30 કલાકે મંગળા આરતી કરવામાં આવશે અને ફરી રાજભોગ અને અન્નકૂટની વિશેષ આરતી સાથે બપોરના દર્શનનો પ્રારંભ થશે. બેસતા વર્ષે સવારની મંગળા આરતી 6 કલાકે થશે.
અંબાજી મંદિરમાં બેસતા વર્ષ 2જી નવેમ્બરે ઊજવાશે, અને બેસતા વર્ષના દિને સવારે આરતી 6થી 6-30 સુધી થશે. બાદમાં દર્શનાર્થીઓ 6-30થી 11-30 સુધી દર્શન કરી શકશે. બપોરે અન્નકુટ દર્શન 12.30થી 4-30 સુધી કરી શકાશે. ત્રીજથી આરતી સવારે 6-30થી 7 દરમિયાન થશે. બાદમાં દર્શનાર્થીઓ 7થી 11-30 સુધી દર્શન કરી શકાશે. સાંજે આરતી 6-30થી 7 સાંજે દર્શન 7થી રાત્રીના 9 કલાક સુધી થશે.
દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોમાં 51 શકિતપીઠ પૈકીના એક અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડયા હોય છે. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં તહેવારોને લઈ રંગ બેરંગી રોશની કરવામાં આવી છે.