
નવી દિલ્હીઃ આ વર્ષનું બીજું અને છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર એટલે કે રવિવારે લાગશે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પોતાનો પડછાયો ચાંદ પર પાડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ખગોળીય ઘટના માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ ધાર્મિક, જ્યોતિષ અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતનું ચંદ્રગ્રહણ રાત્રે 9 વાગીને 58 મિનિટે શરૂ થશે અને 8 સપ્ટેમ્બરની રાત્રે 1 વાગીને 26 મિનિટે પૂર્ણ થશે. આ દરમિયાન ચંદ્ર પૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં ડૂબી જશે, જેને સામાન્ય ભાષામાં “બ્લડ મૂન” કહેવામાં આવે છે. કારણ કે ચંદ્ર તે સમયે લાલ રંગનો દેખાય છે. આ સંપૂર્ણ ગ્રહણ લગભગ 3 કલાક 28 મિનિટ સુધી ચાલશે અને ભારતના તમામ વિસ્તારોમાં જોઈ શકાશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ લાગે છે, જેને અશુભ સમય માનવામાં આવે છે. આ વખતે સૂતક કાળ બપોરે 12 વાગીને 57 મિનિટથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થવાના સમય સુધી એટલે કે રાત્રે 1:26 કલાક સુધી રહેશે. આ દરમિયાન મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવે છે. સાથે જ પૂજા-પાઠ, ભોજન બનાવવું પણ વર્જિત છે. સાથે જ ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ, જેમ કે ધારદાર વસ્તુઓથી દૂર રહેવું અને બહાર ન નીકળવું. આ સમય દરમિયાન માત્ર ભગવાનનું નામ લેવુ, મંત્રજાપ અને ધ્યાન કરવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દરમિયાન મંત્રોની શક્તિ અનેક ગણી વધી જાય છે.
જ્યોતિષ મુજબ આ ચંદ્રગ્રહણ પણ ખૂબ ખાસ છે, કારણ કે તે શનિની રાશિ કુંભ અને ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં લાગી રહ્યું છે. સાથે જ રાહુ ચંદ્ર સાથે યૂતિ બનાવી રહ્યો છે, જેના કારણે ગ્રહણ યોગ સર્જાયો છે. આ યોગ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીકારક બની શકે છે. વૃષભ, તુલા અને કુંભ રાશિના લોકોને ખાસ સાવચેત રહેવાની જરૂર છે. વૃષભ રાશિના લોકોને આરોગ્ય અને વ્યવસાયમાં તકલીફ થઈ શકે છે, તુલા રાશિના લોકોને માનસિક તણાવ અને આર્થિક નુકસાન થઈ શકે છે, જ્યારે કુંભ રાશિમાં તો ગ્રહણ લાગ્યું છે એટલે તેમના માટે આ સમય અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
આ સમસ્યાઓના ઉકેલ તરીકે વૃષભ રાશિના લોકોએ સફેદ વસ્ત્ર પહેરવા અને દૂધનું દાન કરવું જોઈએ. તુલા રાશિના લોકોએ દેવી લક્ષ્મીની પૂજા કરીને વસ્ત્ર દાન કરવું જોઈએ, જ્યારે કુંભ રાશિના જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ સમાપ્ત થયા પછી દરેક વ્યક્તિએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ, ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. આથી મનને શાંતિ મળે છે અને જીવનમાં શુભ ઉર્જાનો પ્રવાહ થાય છે.