મહેસાણા,12 ફેબ્રુઆરી 2026: જિલ્લાના કડી તાલુકામાં અલદેશણ રોડ પર ગત મોડી રાતે ગૌ રક્ષકોએ બાતમીના આધારે તપાસ કરતા કતલ કરેલા બે ગૌવંશના મૃતદેહ મળી આવ્યા હતા. ઉપરાંત ઘટનાસ્થેળેથી છરા સહિત હથિયારો અને એક રિક્ષા પણ મળી આવ્યા હતા આ અંગેની જાણ પાલીસને કરાતા પોલીસ કાફલો પણ દોડી ગયો હતો,
કડી તાલુકાના અલદેશણ રોડ આસપાસ છેલ્લા ઘણા સમયથી ગૌવંશની કતલ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પ્રવૃત્તિને રોકવા માટે ગૌરક્ષકો છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિના સમયે રેકી કરી રહ્યા હતા. બુધવારે મોડી રાત્રે ગૌરક્ષકોને પાકી બાતમી મળી હતી કે અલદેશણ ગામની સીમમાં આવેલા નૂરબાનુ ફાર્મ હાઉસ પાસેના ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો ગૌવંશની કતલ કરી રહ્યા છે. ત્યારે ગૌરક્ષકો દોડી જતા આરોપીઓ નાસી ગયા હતા. ગૌરક્ષકોની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. જોકે, ગૌરક્ષકોને આવતા જોઈ કતલ કરી રહેલા શખસો અંધારાનો લાભ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગૌરક્ષકોએ સ્થળ પર તપાસ કરતાં કતલ કરેલી હાલતમાં બે ગાય મળી આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી કતલ કરવા માટે વપરાયેલા તીક્ષ્ણ છરા અને લોહીથી ખરડાયેલી એક બિનવારસી રિક્ષા મળી આવી હતી, જેનો ઉપયોગ ગૌમાંસની હેરફેર માટે થતો હોવાની આશંકા છે.
આ ઘટનાની જાણ થતા જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કડી પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પરથી મળેલા પુરાવાઓ અને રિક્ષાના નંબરના આધારે ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે ગૌભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માગ ઉઠી રહી છે.


