
- ગોંડલમાં પાણીની કટેકટી ન સર્જાય તે માટે વેરી તળાવ ભરવા રજુઆત કરાઈ હતી
- નર્મદાનું પાણી પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચ્યું,
- હવે ગોંડલવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે
રાજકોટઃ ઉનાળો આકરો બનતો જાય છે, ત્યારે ગોંડલમાં વેરી તળાવના તળિયા દેખાતા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આપવાની રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવતા તેની મંજુરી મળતા ગોંડલના વેરી તળાવમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. હવે ગોંડલ શહેરને ઉનાળા દરમિયાન પાણીની કોઈ સમસ્યા નહી નડે,
ગોંડલ શહેરમાં ભરઉનાળે પાણીની કટોકટી ના સર્જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદાનું પાણી છોડતા શહેરની જીવાદોરી સમાન વેરી તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ઉનાળામાં પાણીની કટોકટી નાં સર્જાય તે માટે નગરપાલિકાનાં સતાધીશો દ્વારા ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રજુઆત કરતા 24 કલાકમાં જ સૌની યોજનાનું પાણી ગોંડલ તાલુકાના પાંચીયાવદર ગામની નદી મારફતે વેરી તળાવ સુધી આવી પહોંચતા શહેરીજનોએ પાણીના વધામણા કર્યા છે.
સૌની યોજનાનું પાણી જ્યાંથી વેરી તળાવ સુધી પહોંચે છે ત્યાં ગોંડલ નગરપાલિકાની ટીમ પહોંચી હતી અને પાણી કઈ રીતે ગોંડલ વેરી તળાવ સુધી આવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિન રૈયાણી, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, નગરપાલિકા સદસ્ય મનિષ રૈયાણી, જગદીશ રામાણી, એલ.ડી.ઠૂંમર, નિલેશ કાપડિયા, વોટર વર્કસ શાખામાંથી પરેશભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ઉનાળામાં ગોંડલનું મહત્વનું જળાશય ઓવરફ્લો થતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.