
- હાઇવેનું કટકે કટકે કામ થતું હોવાથી નવું કરેલું કામ પણ જુનુ થવા લાગ્યું,
- હાઈવેના ધીમીગતિએ ચાલતા કામથી વાહનચાલકો પરેશાન,
- 2008ની સાલથી ગણીએ તો 17 વર્ષ વિત્યા છતાંયે સ્ટેટ હાઈવેનું કામ પૂર્ણ થયુ નથી
ભાવનગરઃ જિલ્લાની નબળી નેતાગારીને લીધે વિકાસમાં અન્ય શહેરની તુલનાએ ભાવનગર જિલ્લો પાછળ રહ્યો છે. ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાનું કામ વર્ષોથી ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. અમદાવાદથી પાલિતાણા અને અમરેલી જિલ્લામાં જવા માટે આ સ્ટેટ હાઈવે મહત્વનો છે. આ સ્ટેટ હાઈવે નંબર-36ને ફોરલેન બનાવવા માટે 2018ના વર્ષ અગાઉ રાજય સરકારનાં નાણા મંત્રાલય દ્વારા બજેટમાં સમાવેશ કરાયો હતો. હજુ પણ હાઈવેનું કામ પૂર્ણ થયુ નથી.
ભાવનગર-અમદાવાદ વાયા વલભીપુર થઈને પસાર થતા રાજયધોરી માર્ગ-36ને ફોર લેન બનાવાની કામગીરી હવે કયારે પુરી થશે તે બાબત હવે યક્ષ પ્રશ્ન બનતી જાય છે, આ હાઈવેનું કામ ગોકળગાયની ગતિ કરતા પણ ધીમી ગતિએ ચાલતુ હોય વાહનચાલકો ત્રાસી ગયા છે. આ હાઈવે પર ઠેર ઠેર ડાયવર્ઝન અપાયા છે. રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. જિલ્લાની નેતાગીરી આ મુદ્દે નિષ્ક્રિય જોવી મળી રહી છે.
ભાવનગરથી અમદાવાદ વાયા વલભીપુર થઇને પસાર થતો સ્ટેટ હાઇવે નં.36 કોઝવે સહિતને રૂ. 700 કરોડનાં ખર્ચે ફોરલેન બનાવા અંગેની જાહેરાત 2018ના વર્ષ અગાઉ રાજય સરકારનાં નાણા મંત્રાલય દ્વારા બજેટમાં સમાવેશ કરાયો હતો. આ હાઇવેને પહોળો કરવા માટેના પ્રોજેકટની ખરેખર પ્રાથમિક શરૂઆત 2008ના વર્ષમાં થઇ હતી અને તે સમયના ભાવનગરના તત્કાલીન કલેકટર દ્વારા વલ્લભીપુરના હાલમાં બંધ પડેલા રેસ્ટ હાઉસના પરીસર ખાતે મીટિંગ પણ મળી હતી. એટલું જ નહીં સમગ્ર પ્રોજેકટનું વીડિયો ગ્રાફીનું નિર્દશન બતાવવામાં આવ્યું હતું અને જે તે સમયે હાઇવે ટચ આવેલ ખાનગી મિલકતોની આકારણી અને સંપાદન માટેની કાર્યવાહી પણ હાથ ધરવા સાથે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઇ હતી. 2008ની સાલથી ગણીએ તો 17 વર્ષ આ ચાર માર્ગીય યોજનાને થવા આવ્યા અને ત્યારબાદ છેલ્લાં 5 વર્ષથી ઠાગાઠૈયા રીતે નવા નાળા અને રસ્તાનું કામ ચાલતુ આવ્યુ છે.
રાજ્યના માર્ગ-મકાન ખાતાની બલીહારી ગણો કે જે કાંઇ હોય તે કેરીયાના ઢાળથી વરતેજ સુધીમાં આવતા નદી નાળાઓને ઉંચા કરવાનું કામ અધવચ્ચેથી પડતુ મુકવામાં આવતા પુલના લોખંડના સળીયાઓ કાટ ખાઇ ગયા છે. તેથી પુલનું કામ કેટલું મજબુત થશે તે મોટો સવાલ છે.