
એક જ સપનુ હશે અને હજારો તકલિફો આવશે પણ છેલ્લે સીન એવો થશે કે, કામિયાબી જગતમાં તમારા નામના નગારા વગાડશે

સદીઓ પહેલા ભારત જગત આખાની ઈકોનોમીને ડોમિનેટ કરતું હતું. ભારતીય ઉપમહાદ્વિપની પ્રજાએ સમસ્ત વિશ્વમાં વેપાર વણજમાં કાઠુ કાઢ્યું હતું. યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકા ખંડોમાં ભારતના મરી, મસાલા, કાપડ વગેરેની ભારે માંગ હતી. વચ્ચે કેટલાક દાયકાઓનો સમય એવો આવ્યો કે ભારતના વેપાર વણજ ઉપર થોડી માઠી અસર વર્તાવા લાગી. આજે છેલ્લા બે ચાર દશકથી ફરી પાછું ભારતના ઔદ્યોગિક ક્ષેત્રએ જગતની ઈકોનોમીને ડોમિનેટ કરી છે. વિશાળ રાષ્ટ્ર ભારતની વિવિધ પ્રજાતિઓએ અલગ અલગ ક્ષેત્રમાં ઔદ્યોગિક હરણફાળ ભરીને વિશ્વના અર્થતંત્રમાં હાક બોલાવી છે. એમાં પણ વેપાર વણજમાં ગુજરાતીઓનો કોઇ જોટો જડે એમા નથી. આજે ગુજરાત ઉપરાંત વાત કરવી છે, વિવિધ ભારતીય પ્રજાતિઓ પૈકી એક નાનકડા પ્રદેશની એક એવી કોમ્યુનિટીની કે જેણે નાના એવા ક્ષેત્રમાંથી હનુમાન કૂદકો મારીને દેશ અને વિદેશની ઈકોનોમી ઉપર રીતસરનો પ્રભાવ પ્રસ્થાપિત કર્યો છે.
આદિત્ય બિરલા, બજાજ, ઈમામી, ધ ટાઈમ્સ વગેરે ફેમસ બિઝનેસ ગ્રુપ્સના નામ તો સાંભળ્યા છે ને ! આ બધા નાની એવી પ્રજાતિમાંથી ઉભરી આવેલા ઉદ્યોગગૃહો છે. આ લોકોની બિઝનેસ કોઠાસૂઝ ગજબની છે. વ્યવહાર કુશળ અને ઉદ્યમી છે. જી, હા. વાત કરવી છે મારવાડી લોકોની. ભારતના રાજસ્થાન પ્રદેશના આ નાનકડા સમૂહના લોકોની સંપત્તિ રાજસ્થાનની ટોટલ જીડીપી કરતાં પણ વધુ છે. એટલું જ નહીં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જેટલી લીસ્ટેડ કંપનીઓ છે એના છ ટકા એટલે કે ૨૩૦ બિલિયન ડોલરની અધધધ થઇ જવાય એટલી આર્થિક તાકાત મારવાડીઓ પાસે છે. આ સંપત્તિનો ક્યાસ કાઢવો હોય તો એ રીતે કાઢી શકાય કે, વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીની રીલાયન્સ રીટેઈલ અને વિશ્વની સાતમી સૌથી મોટી બેંક એચડીએફસી બંને ખરીદી લઈએ અને તો પણ કોરોડો રૂપિયા વધે એટલી સંપત્તિ કહેવાય.
ભારતના ટોચના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટસમાં ૨૬ મારવાડી કોમ્યુનિટીના છે. દેશના ૫૦ નવા સ્ટાર્ટઅપ્સમાં કમ સે કમ એક મારવાડી બંદો હોય છે. મારવાડીઓમાં એવી તો કઈ ક્વોલીટી છે કે, એ લોકો આર્થિક રીતે આટલા બધા આગળ આવી ગયા છે ? જેમને પણ આર્થિક સામ્રાજ્ય સ્થાપવું છે એમણે મારવાડીઓ જેવી કેવોલીટી વિકસાવવી પડે. મારવાડીઓ ઈનોવેટીવ સ્ટ્રેટેજીની ક્વોલિટીથી દુનિયા જીતે છે. મારવાડી ઉદ્યોગપતિ ગંગાબિશન અગ્રવાલની કહાની જોઇએ. જ્યારે જીભ સળવળે ત્યારે મગજમાં હલદીરામનું એક માત્ર નામ કેમ આવે છે ? આજે હલદીરામ દેશના પ્રત્યેક ઘરમાં પહોંચી ગયા છે. માર્કેટમાં હલદીરામના નમકીનની જબરી પક્કડ છે. યુરોપ અને અમેરિકાની ડોમિનોઝ, મેક-ડી જેવી ભીમકાય કંપનીઓ મળીને પણ હલદીરામનો ભારતમાં મુકાબલો નથી કરી શકતા. હલદીરામની શરૂઆત દોઢેક દાયકા પહેલા એક ૧૧ વર્ષના લબરમુછીયા યુવાને કરી હતી. પહેલવહેલા ભુજીયા સેવ બનાવી એણે શરૂઆત કરી. આજે એની કંપની ૮૦ હજાર કરોડની છે. વાત છે વર્ષ ૧૯૭૯ની. રાજ્સ્થાનનાં બિકાનેરમાં ૧૧ વર્ષના ગંગાબિશન અગ્રવાલનું પરિવાર ભુજીયા બનાવી વેચતું હતું. એ જમાનામાં બિકાનેરમાં ઘેર ઘેર લોકો ભુજીયા સેવનો વેપાર કરતા હતા.
નાનકડા ગંગાબિશન અલગ વિચારતા કે, ભુજીયા સેવ વેચનારાઓની ભીડમાં મારી ભુજીયા બધા કરતા કેવી રીતે અલગ પડે. ટેસ્ટ અને ક્વોલીટી માટે એ સતત અવનવા પ્રયોગો કરતા રહેતા. એમણે ભુજીયા મોથથી બનાવવાનો પ્રયોગ કર્યો. આનાથી ભુજીયા વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનવા લાગ્યા. જોકે મોથનો ઉપયોગ તો અન્ય પણ કરી શકે એટલે એમણે કોપીથી બચવા બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી અખ્યાર કરી. એમણે એમની ભુજીયા સેવનુ ‘મહારાજા ડોન્ગર સેવ’ નામ આપ્યું. લોકોને મહારાજાની સેવ ખાતા એમ લાગતું. એ લોકો રોયલ ખાણું ખાઈ રહ્યા છે એવી લાગણી થતી. હલદીરામે ત્રીજો ઈનેવેટીવ આઈડીયા પ્ર્રાઈઝનો અપનાવ્યો. એમણે બિકાનેરમાં મળતી તમામ ભુજીયા સેવ કરતા અઢી ઘણી કિંમત એમની ભુજીયા સેવની રાખી. લોકો અઢી ગણી વધુ રકમ આપીને પણ હલદીરામની ભુજીયા સેવ એટલે ખાતા કે એમને લાગતું કે સારી ક્વોલિટીની સેવ ખાવી હોય તો ઊંચી કિંમત આપવી જોઈએ. પછી તો હલદીરામની ડિમાંડ એટલી વધી ગઇ કે, એમણે કોલકતા અને નાગપુરમાં પણ બ્રાન્ચ કરી. ધીમે ધીમે બીજા નમકીન અને સ્વીટ બનાવવાનું શરૂ કર્યું. આજે દેશ આખામાં હલદીરામના અનેક આઉટલેટ નજર સામે છે. એમણે ક્વિક સર્વિસ રેસ્ટોરેન્ટમાં પણ પદાર્પણ કર્યું છે. હલદીરામનો સ્વીટનો માર્કેટ શેર ૩૪ ટકાથી વધુ છે. હલદીરામની જેનરેશન નેક્સ્ટે દેશના પ્રાઈમ લોકેશન ઉપર નવા સ્ટોર શરૂ કરી દીધા છે. મોર્ડન સ્ટાઇલથી હલદીરામની ન્યુ જેનરેશન જોરદાર આગળ વધી રહી છે.
મારવાડીઓની બિઝનેસ સ્ટ્રેટેજીમાં ડાયવર્સીટીનો પણ મેજર રોલ રહ્યો છે. મુંબઈમાં કબાડીનું કામ કરતો એક છોકરો આજે ૧૬ હજાર કરોડનું એમ્પાયર ધરાવે છે. આજે એની પાસે ભારતની સૌથી મોટી માઈનીંગ કંપની છે. વેદાંતા રીસોર્સીસના અનિલ અગ્રવાલે ૧૫ વર્ષની વયે શાળા છોડી દીધી. એ મનમાં સદાય વિચારતો કશું મોટું અને આગવું કરવું છે. એણે મુંબઈ આવીને શરૂઆતમાં કબાડી માર્કેટમાં મજૂરી કામ શરૂ કર્યું. કેબલ કંપની પાસેથી કબાડી લઈ વેચવાનું કામ કરતા. વર્ષે ૧૯૭૬માં સમશેર સ્ટર્લિંગ કેબલ કંપની ખરીદવાનું એણે સાહસ કર્યું. પછી તો લગન અમે મહેનતથી અનિલ અગ્રવાલે વેપારને બુલંદીઓ ઉપર પહોંચાડી દીધો.
તમામ બેરીયરોને તોડવાનો મારવાડીઓનો સદગુણ એમને ઉંચાઈ ઉપર લઈ જાય છે. ૬૦-૬૫ વર્ષે માણસ શું કરે ? નિવૃ્ત્ત થઈને પ્રભુ ભજન કરે. આવું જ લોકો વિચારે ને ! લક્ષ્મણદાસ મિત્તલના પિતા એક ફાર્મ ડિલર હતા. પાકની લણણીમાં એ જમાનામાં મહિનાઓ થઈ જતા. લક્ષ્મણદાસ લણણી માટે મશીન ઈન્વેન્ટ કરવાનું વિચાર્યું. પણ એમાં ઝાઝી સફળતા ના મળી. પછડાટો અને મુશ્કેલીઓ ઘણી આવી. પણ લક્ષ્મણ મિત્તલ પાછા ન પડ્યા, હાર ન માની. ટ્રેકટર ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. ટ્રેકટર બનાવી વેચવાના વેપારમાં એમણે ૪૧ ટકા ગ્રોથ કર્યો. ઊંચું જોખમ લેવું અને કૌશલ્ય નિર્માણ કરવાના મારવાડીઓના સ્વભાવ એમને ખુબ આગળ લઈ જાય છે. હરી મોહન બંગુરનીએ સિમેન્ટના વ્યવસાયમાં હાઈ રીસ્ક અને કેપેસીટી બિલ્ડીંગથી મોટું ગજુ કાઢ્યું છે. નવી બાબત અને પોતાની ભુલોનો સ્વીકાર કરવી અને નવી તક ઝડપી લેવામાં મારવાડીઓનો જોટો જડે એમ નથી. અજય પિરામલજીએ જીવનની અનેક નાની મોટી ઝંઝાવાતો હસતા મોંએ ઝીલીને કપડા માર્કેટ છોડીને ફાર્મા ઈન્ડસ્ટ્રીની નવી તકો ઝડપી લઈને આજે ૧૪ હજાર કરોડનું સામ્રાજ્ય સ્થાપ્યું છે.
મારવાડી જેવી બિઝનેસ ટેકનિક્સ ડેવલપ કરીને સફળતાના શિખરો સર કરી શકાય. એના માટે ઈનોવેટીવ સ્ટ્રેટેજી, ડાયવર્સીટી, બ્રેકિંગ બેરિયર્સ, હાઈ રીસ્ક ટેકીંગ અને એડપ્ટિવનેસ જેવા પાંચ વેલ્યુએબલ લેસન આત્મસાત કરવા પડે. ભારત આગામી બે અઢી દાયકામાં ડેવલપ્ડ કંટ્રી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતના દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનુ વિઝન અને બિઝનેસ એટિટ્યૂડ ધરાવતી ભારતીય પ્રજાના ઝ્નુનના સમન્વયથી આગામી સમય ભારતનો છે એમા બે મત નથી. એક જ સપનુ હશે અને હજારો તકલિફો આવશે પણ છેલ્લે સીન એવો થશે કે, કામિયાબી જગતમાં તમારા નામના નગારા વગાડશે.
(પુલક ત્રિવેદી)