દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને છોડવામાં નહીં આવેઃ PM મોદી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂટાનના દ્વિદિવસીય પ્રવાસ પર ગયેલા મોદીએ જણાવ્યું કે, “આ હુમલો એક પૂર્વયોજિત કાવતરુ છે અને જે લોકો તેના માટે જવાબદાર છે, તેમને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે.” મોદીએ વધુમાં જણાવ્યું કે તેઓ રાતભર તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
થિમ્ફુમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, “હું આજે અહીં ખૂબ ભારે મનથી આવ્યો છું. ગઈ સાંજે દિલ્હીમાં થયેલી ભયાનક ઘટના દરેકના મનને વ્યથિત કરી ગઈ છે. હું પીડિત પરિવારોના દુઃખને સમજી શકું છું. આખો દેશ આજે તેમના સાથે ઉભો છે. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના મૂળ સુધી પહોંચીને તેના પાછળ રહેલા લોકોને કાયદાની કસોટીએ લાવવામાં આવશે.”
સોમવાર સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા છે અને અનેક અન્ય ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વાહનોને પણ ભારે નુકશાન થયું હતું. તપાસ એજન્સીઓએ જણાવ્યું કે આ વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ થયો હતો. તાજેતરમાં જ ફરીદાબાદમાંથી એક આતંકી મૉડ્યુલનો પર્દાફાશ થયો હતો, જ્યાંથી આશરે ત્રણ ક્વિન્ટલ એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યો હતો. એજન્સીઓને શંકા છે કે દિલ્હી વિસ્ફોટના તાર પણ આ આતંકી નેટવર્ક સાથે જોડાયેલા હોઈ શકે છે.
દિલ્હી વિસ્ફોટ બાદ કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે દેશની રાજધાની પર આવા હુમલાને કોઈ રીતે સહન નહીં કરવામાં આવે અને સંપૂર્ણ તપાસ બાદ દોષિતોને કડક સજા આપવામાં આવશે. તપાસ એજન્સીઓ હાલમાં ટેરર નેટવર્કના લિન્ક્સ, ફોન કોલ રેકોર્ડ અને CCTV ફૂટેજની ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.


