1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ
ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ

ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ

0
Social Share
  • રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો,
  • 685લોકો દ્વારા સામૂહિક ધૂપ સ્નાનફેસ મડ પેક,  વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
  • 18નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો  થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી

ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું.

પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685  લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને સામૂહિક ધૂપ સ્નાન કર્યા હતા. જેને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો. સાથે જ, 658  લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપ સ્નાનને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો.

આઠમાં પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું            હતું કે, આજના ભૌતિકવાદના યુગના દુષ્પરિણામો આપણે અનુભવી રહ્યા છીએ. આવા સમયે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાણનું મહાઅભિયાન          ચલાવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલએ પ્રકૃતિ પ્રત્યે જોડાણ અપનાવવાની જરૂરિયાત સમજાવતા જણાવ્યું હતું કે, ભારતીય ઋષિમુનિઓને પ્રકૃતિ સાથે વિશેષ જોડાણ હતું. યોગ,  પ્રાણાયામ જેવી વિદ્યા ઋષિમુનિઓએ આપણને આપી છે. પ્રકૃતિનો નિયમ છે કે જે વ્યક્તિ તેની સાથે જેટલો સંબંધ સ્થાપીને ચાલે છે, તે આધ્યાત્મિક,   માનસિક, શારીરિક સ્વરૂપે એટલો જ સ્વસ્થ રહે છે. આપણે જેટલા પ્રકૃતિથી દૂર જઈએ એટલા જ દુઃખો અનુભવીએ છીએ. જલ્દીથી આપણે પ્રકૃતિ તરફ   પાછા વળવાની જરૂર છે. એટલે જ, ભારતીય ઋષિમુનિઓ, ગાંધીજી તથા પદ્મશ્રી જય પ્રકાશ અગ્રવાલ જેવા લોકોએ ભારતીય જીવન અને પ્રકૃતિના સંરક્ષણ તથા માનવસેવા અને પ્રાણી સેવા માટે મહામૂલુ યોગદાન આપ્યું હતું એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યપાલએ સૂર્યા ફાઉન્ડેશનના શ્રી જય પ્રકાશ અગ્રવાલ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા તથા પ્રાકૃતિક ચિકિત્સાના પ્રચાર પ્રસારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રયાસોને બિરદાવ્યા હતા.  દેશભક્ત ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલજીનું સ્મરણ કરતા રાજ્યપાલશ્રીએ રોજિંદા જીવનમાં વ્યાયામ, કસરત અને યોગના  મહત્વને સમજાવ્યું હતું.

નેચરોપથી -પ્રાકૃતિક ચિકિત્સાને લોકો જાણતા નહોતા ત્યારે પૂજ્ય બાપુએ ભારતની આ મૂળ વિદ્યાથી લોકોને અવગત કરાવ્યા હતા એમ જણાવીને  રાજ્યપાલએ કહ્યું હતું કે, આપણા જીવનનો પરમ ઉદ્દેશ ધર્મ, અર્થ, કામ કરતા મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. જેને સ્વસ્થ શરીર દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ આત્મા વસે છે. એટલે જ કહેવાય છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’.

રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ચિકિત્સાનો મૂળ સિદ્ધાંત છે કે પ્રકૃતિની વ્યવસ્થાને અપનાવીને ચાલીએ. પ્રાણીઓ પ્રકૃતિની વ્યવસ્થા મુજબ જીવન જીવે છે. મનુષ્યએ પ્રકૃતિની વ્યવસ્થા અપનાવીને જીવન જીવતા થવું પડશે. પ્રાકૃતિક ચિકિત્સા થકી પ્રકૃતિ સાથે સંબંધ સ્થાપીને પ્રકૃતિને અપનાવવાની જરૂર છે   એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ, રાજ્યપાલએ સૂર્યોદય પહેલા જાગવાની, યોગ પ્રાણાયામ, વ્યાયામને અપનાવવાની, સમય અનુસાર ભોજન લેવાની અને સૂવાની  ટેવોને અપનાવવા અનુરોધ કર્યો હતો.

આધુનિક સમયમાં ગંભીર બીમારીઓના વ્યાપનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ કહ્યું હતું કે, પહેલાના સમયમાં કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, ઘૂંટણની  બીમારીઓ સહિતની ગંભીર બીમારીઓ નહોતી, કારણ કે પહેલા પ્રકૃતિના સિદ્ધાંતો મુજબનું સરળ અને સ્વસ્થ જીવન લોકો જીવતા હતા. આજે    ભૌતિકવાદમાં આ સુટેવો અને પ્રકૃતિ સાથેનું જોડાણ ભૂલાયું છે, જેના લીધે રોગો વધ્યા છે. આજે આપણે પ્રકૃતિને દૂષિત કરી છે. રાસાયણિક ખેતી                 થકી આપણે જમીનને દૂષિત કરી છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી છે.

રાજ્યપાલએ કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલય અને રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન થકી પ્રકૃતિ સાથે જોડાણ સ્થાપવાની  દિશામાં     કાર્ય કરવાની શરૂઆત કરાવી છે. તેમણે વિરાસત ભી, વિકાસ ભીના મંત્ર સાથે આપણા વારસાના સંવર્ધન માટે મુહિમ શરૂ કરાવી છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન  શિશપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી યોગ, સ્વદેશી, વેદ, ગૌધન સહિતના વિષયોમાં સતત  માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે પણ તેમણે અનેકવિધ નવીન પ્રકલ્પો અને ઝુંબેશ રાજ્યમાં શરૂ  કરાવી છે. યોગ અને નેચરોપથી સહિત ભારતીય ચિકિત્સા ક્ષેત્રે પણ લોકોને સહભાગી કરવા રાજ્યપાલશ્રીના માર્ગદર્શનમાં આ જ રીતે સતત પ્રત્યનશીલ     રહીશું એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વના પ્રારંભ પ્રસંગે શહેરના મેયર  પ્રતિભાબહેન જૈને કાર્યક્રમના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ  માટે રાજ્યપાલનું માર્ગદર્શન રાજ્યના ખેડૂતો માટે મહામુલુ સાબિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને ‘સર્વ જન હિતાય, સર્વજન સુખાય’નો મંત્ર દેશવાસીઓને આપ્યો છે. સાથે જ, મેયરશ્રીએ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી મુહિમમાં પોતાનું યોગદાન આપીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ  અનંત બિરાદરે આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આઠમાં પ્રાકૃતિક     ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સૂર્યા ફાઉન્ડેશન-INO(ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન) અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી (NIN), આયુષ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી 9 થી 18 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં  યોગ પ્રાકૃતિક ચિકિત્સા પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમોમાં સેમિનાર, સામૂહિક ધૂપ સ્નાન (Sun Bath), મિટ્ટી ફેસ પેક (Face Mud Pack) અને વૃક્ષાસન પ્રક્રિયાનો સમાવેશ  થાય છે. આ આયોજનને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાવવા માટે પણ  લક્ષિત કરવામાં આવ્યું છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code