- ઈજાગ્રસ્ત 5 શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- શહેરમાં કૈલાશ રોડ પર 42 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે
- લોડ બેલેન્સના કારણે સ્ટ્રકચર તૂટી પડ્યુ હોવાનું તારણ
વલસાડઃ શહેરના કૈલાશ રોડ પર રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડતા પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ છતાં કલેકટર કચેરીના અધિકારીઓ, મ્યુનિના અધિકારીઓ, પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક શ્રમિકો પટકાયા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ બનાવમાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા કલેક્ટરના કહેવા મુજબ આજે સવારે આ દુર્ઘટના થઇ એમાં પાંચ શ્રમિકોને ઇજા થઇ છે. જેમાં ચાર શ્રમિકોની તબિયત સારી છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યુ છે.
જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. બે વર્ષ રહેલાં મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની ટાઇમલાઇન છે. આ બનાવમાં અમે કમિટીની રચના કરીને તપાસ કરીશું જે તપાસમાં આવશે એ મુજબ આગળીની કાર્યવાહી કરવામાં આવશે.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે સવારે નવ-સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લિપ થઇ ગયો હતો. અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.


