1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં 680 ડોલ્ફિનની ઉછળ-કૂદ
ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં 680 ડોલ્ફિનની ઉછળ-કૂદ

ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં 680 ડોલ્ફિનની ઉછળ-કૂદ

0
Social Share
  • વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસતી ગણતરી કરાઈ,
  • સ્વસ્થ ઈકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે,
  • ડોલ્ફિનને બચાવવા માછીમારોનું યોગદાન મહત્વનું,

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં ડોલ્ફિન જોવા મળે છે.  રાજ્યના વનવિભાગ દ્વારા ડોલ્ફિનની વસતિ ગણતરી’ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના સમુદ્ર વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે.

ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણ ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા 1,384 ચો.કિ.મી.ના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1,821 ચો.કિ.મી.માં 168, ભાવનગરના 494 ચો.કિ.મી.માં 10 તેમજ મોરબીના 388 ચો.કિ.મી.માં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4,087 ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે.

આ અંગે વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, સ્વસ્થ ઈકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે. સમુદ્રી દરિયાઈ સસ્તન પ્રાણીઓના કેટલાક ટોચના શિકારી આહાર શ્રૃંખલામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સર્વે વન વિભાગ સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે બે દિવસ માટે યોજાયો હતો. જેમાં દરેક ટીમમાં ટેકનિકલ- વૈજ્ઞાનિક, નિરીક્ષક, ફોટોગ્રાફર અને ક્ષેત્ર સહાયક એમ કુલ મળીને 47 વિશેષજ્ઞ જોડાયા હતા.

ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ઇન્ડિયન ઓસન હમ્પબેક ડોલ્ફિન જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે. તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના મૈત્રીપૂર્ણ અને જિજ્ઞાસુ સ્વભાવ માટે જાણીતી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code