
- ફાયર કર્મચારીએ મૃતદેહ કાઢવા માટે રૂપિયા માગતા વિવાદ સર્જાયો હતો.
- મુખ્યમંત્રીનો તમામ પાલિકાઓને રેસ્ક્યુના ચાર્જ વસૂલવા ઠરાવોને રદ કરવા આદેશ,
- ફાયર બ્રિગેડે મૃતકના સગા પાસેથી 8 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા વિવાદ થયો હતો
ગાંધીનગર: શહેર નજીક મહાનગરપાલિકા કે પાલિકાની હદ બહાર કોઈ અઘટિત બનાવ બને ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. ફાયર વિભાગે લોકોને બચાવ્યા હોય કે મૃતદેહને બહાર કાઢ્યા હોય તો ફાયર વિભાગને તેનો ચાર્જ ચુકવવો પડતો હતો. ગાંધીનગર નજીક બનેલા એક બનાવમાં ચાર્જ લેવાના મામલે વિવાદ ઊભો થતાં અને મુખ્યમંત્રીના ધ્યાન પર આ બાબત આવતા મુખ્યમંત્રીએ તમામ મ્યુનિ.કોર્પોરેશન અને પાલિકાઓને રેસ્ક્યુ કર્યાનો ચાર્જ ન લેવા આદેશ કર્યો છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન હેઠળના ફાયર વિભાગ દ્વારા કોર્પોરેશનની હદ બહાર બચાવ અને રાહત કામગીરી માટે રૂપિયા માગવામાં આવતા ભારે વિવાદ થયો હતો. ગાંધીનગર તાલુકાના રાયપુર વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવાની ઘટના દરમિયાન ફાયર ઓફિસર દ્વારા ‘પહેલા રૂપિયા પછી કામગીરી’ જેવી વાણી અપનાવવામાં આવતા મુદ્દો રાજકીય અને સામાજિક સ્તરે ઉગ્ર બન્યો હતો. મામલાને ગંભીરતા સાથે લઇ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હસ્તક્ષેપ કરીને રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓને આ પ્રકારના ચાર્જ વસૂલવા લગતા ઠરાવોને તાત્કાલિક રદ કરવાનો આદેશ આપ્યો છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા શહેરની હદ બહારના વિસ્તારમાં ફાયર કોલ, અકસ્માત કે કેનાલમાં મૃતદેહ તેમજ શોધખોળની કામગીરી માટે ચાર્જ વસૂલવામાં આવે છે. વર્ષ 2023માં તત્કાલિન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઠરાવ કરીને ચાર્જ નિયત કરવામાં આવ્યા છે પરંતુ આ નાણા વસૂલવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ઉદ્ધત વર્તન કરાતા ભારે વિવાદ થયો હતો. રાયપુર કેનાલમાંથી મૃતદેહ કાઢવા માટે નાણા માંગ્યા બાદ પરિવારજનોને આ ચાર્જનો ખ્યાલ નહીં હોવાથી આનાકાની કરાતાં ફાયર બ્રિગેડના જવાનોએ કેનાલમાં ઉતરવાનો ઇન્કાર કર્યો હતો અને પરત જવાની તૈયારી કરતાં પરિવારજનોએ આખરે ચાર્જ ચૂકવ્યો હતો. તે પછી મૃતદેહ કઢાયો હતો.
આ મામલે વિવાદ અને ફરિયાદ થયા બાદ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી જે પછી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હદ વિસ્તાર બહાર કેનાલમાંથી મૃતદેહ કાઢવા બદલ કે બચાવ કામગીરી બદલ વસૂલાતો ચાર્જ નાબૂદ કરવાનો નિર્ણય કરાયો છે. ગાંધીનગર મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે, અગાઉના વર્ષોમાં શહેર વિસ્તારની બહારના કોલમાં ચાર્જ વસૂલવાનો ઠરાવ કર્યો હતો. મુખ્યમંત્રી તરફથી દરેક વિસ્તારમાં કેનાલના કોલમાં ચાર્જ નહીં વસૂલવાના આદેશ કરવામાં આવતા હવે ગાંધીનગરમાં પણ આ પ્રકારના કિસ્સામાં ચાર્જ નહીં વસૂલાય. પરંતુ મૃત્યુના કિસ્સામાં માનવીય અભિગમ દાખવવો જરૂરી છે. ફાયરના જવાનો દ્વારા મૃતકના સગા સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હશે તો તેને ગંભીરતાથી લઇને સંબંધિત કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે.