1. Home
  2. ગુજરાતી
  3. મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે
મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે

મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે

0
Social Share

નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે અને વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ ઑફિસર્સની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકુળ મતદાર કાપલી બનાવવા જેવી વિવિધ ત્રણ પહેલ શરૂ કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા સમયાંતરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવા મતદાર નોંધણી નિયમો, 1960 તથા મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 (2023માં સુધારેલો)ના આધારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મૃત્યુ નોંધણીની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. મતદાર નોંધણી અધિકારીઓને સમયસર આ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની બૂથ લેવલ ઑફિસર્સ દ્વારા સ્થળ મુલાકાત કરી પુષ્ટી કરવામાં આવશે.

આ ઉપરાંત મતદારોને પોતાના મતદાન કેન્દ્રની માહિતી સરળતાથી મળી રહે તથા મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલી (Voter Information Slip)ની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. આ નવી ડિઝાઈનની મતદાર કાપલીમાં મતદારનો સીરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. ચૂંટણી તંત્ર અને મતદારો વચ્ચેની કડીરૂપ બૂથ લેવલ ઑફિસર્સ મતદાર યાદીને લગતી કામગીરી માટે ડોર-ટુ-ડોર કેમ્પેઈન માટે મતદારોના ઘરે જતા હોય છે. મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બૂથ લેવલ ઑફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બૂથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે.

ભારતનું ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ, સુલભ, સહભાગીતાપૂર્ણ અને સર્વસમાવેશી બનાવવા પ્રતિબદ્ધ છે ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી મુખ્ય નિર્વાચન અધિકારીઓની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code