ગાંધીનગરઃ 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે. વિધાનસભામાં પંચાયત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે નગરપાલિકાની નજીકના વિસ્તારમાં આવતા રાજયના કુલ 2 હજાર 900 ગામોમાં ઘન કચરાનું ડોર ટૂ ડોર એકત્રીકરણ કરી નિકાલ કરાશે.
અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલ 3 હજાર 189 ગ્રામ પંચાયત ઘર પૈકી, 2 હજાર 939 નવીન ગ્રામ પંચાયતના કામો પૂર્ણ કરાયા છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં એક હજાર 639 ગરીબ કલ્યાણ મેળા દ્વારા વિવિધ યોજનાઓ અન્વયે એક કરોડ 91 લાખ લાભાર્થીને 41 હજાર 368 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. અંતે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની 5 હજાર 94 કરોડ 62 લાખ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં પસાર થઈ હતી.
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે. વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હળપતિએ જણાવ્યું કે, મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે SAHAS યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે ગેરન્ટર બનશે. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4 હજાર 700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

