1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગિરનાર પર્વત પર 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર દૂધધારા પરિક્રમાનો પ્રારંભ
ગિરનાર પર્વત પર 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર દૂધધારા પરિક્રમાનો પ્રારંભ

ગિરનાર પર્વત પર 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર દૂધધારા પરિક્રમાનો પ્રારંભ

0
Social Share
  • છેલ્લા 65 વર્ષથી દૂધધારા પરિક્રમા નિરંતર ચાલી આવે છે,
  • યોગિની એકાદશીના પવિત્ર દિવસે દુધધારા પરિક્રમાનું આયોજન,
  • 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો

જૂનાગઢઃ  ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ ભવનાથથી ગિરનારની દુધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધધારા પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 200થી વધુ ભાવિકો જોડાયા હતા અને 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો હતો.

ગિરનારના માર્ગે દૂધધારા પરિક્રમાનું મહાત્મ્ય વિશેષ છે. આ પરિક્રમામાં ગિરનાર જંગલના અંદાજે 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર ગિરનારની આસપાસ દૂધની અખંડ ધારા વહેતી રાખવામાં આવે છે. પાત્રમાંથી સતત દૂધ વહેતું રહે એ રીતની અનોખી આધ્યાત્મિક વિધિ યોગિની એકાદશીને ઉજવણીરૂપે થાય છે. પરંપરા મુજબ, ભક્તો દૂધ પાત્ર સાથે પરિક્રમા કરતા જાય છે અને વિધિવત્ ગિરનારની પર્વતી રુટ પર દૂધ અર્પણ કરે છે. આ દીર્ઘકાળીન પરંપરા છેલ્લા 65 વર્ષથી નવિન ઉત્સાહ અને શ્રદ્ધાથી જીવી રહી છે.

વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના મહામંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું કે, દૂધધારા પરિક્રમાનું મૂળ ઉદ્દેશ રાષ્ટ્રમાં સારો વરસાદ પડે, શાંતિ અને સમૃદ્ધિ રહે અને ગિરનારી મહારાજની કૃપા સમસ્ત નાગરિકો પર બનેલ રહે એ છે. આશરે 150 લીટરથી વધુ દૂધ એકત્ર કરી સમગ્ર પરિક્રમા રૂટ પર અભિષેકરૂપે વહેડવામાં આવે છે. આ સાથે વિવિધ સમાજના લોકોને સાથે રાખી સંપ્રદાયોના મેલમિલાપથી આ પરિક્રમા સમ્પન્ન થાય છે. પરિક્રમામાં કરમણ ભગતના નેતૃત્વ હેઠળ માલધારી, વેપારી, સનાતન ધર્મના અનુયાયી, ભવનાથ ખાતે નિવાસ કરતા સંતો અને સ્થળિય ભક્તો જોડાય છે. પરિક્રમાના અંતિમ તબક્કે ભક્તો બોરદેવી ખાતે એકત્ર થાય છે, જ્યાં ધૂન, ભજન, પ્રસાદીની પૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

દૂધધારા પરિક્રમાનો મોટો ભાગ ગિરનારના જંગલ રૂટ પરથી પસાર થતો હોવાથી વનવિભાગ દ્વારા ખાસ તૈનાતી અને વ્યવસ્થા કરવામાં આવે છે. જંગલી પ્રાણીઓથી સુરક્ષા રહે અને પર્યાવરણની હાની ન થાય તે માટે ભક્તોને નિયમસર આગળ વધવા અનુરોધ પણ કરવામાં આવે છે.

સ્થાનિક લોકોએ દૂધધારા પરિક્રમા અંગે જણાવ્યું કે, આ પરિક્રમા કોઇ સાધારણ સંસ્કાર નથી. વર્ષો પહેલા ભગવતી બાપુના આશીર્વાદથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ જીવંત છે. કોઈપણ આપત્તિમાં પણ આ પરિક્રમા રોકાઈ નથી. તેમણે ઉમેર્યું કે નેસડા, ભવનાથના રહેવાસીઓ તથા સ્થાનિક માલધારી સમાજના આગેવાનો, વેપારીઓ અને સાધુ સંતો દ્વારા આ પરિક્રમાનું આયોજન થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code