
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર, કેએલ રાહુસ અને જયસ્વાલને પડતા મુકાયાં
નવી દિલ્હીઃ BCCI એ 9 સપ્ટેમ્બરથી રમાનારી 2025 એશિયા કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઘણા ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે, જ્યારે કેટલાકને મોટો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ ઉપ-કેપ્ટન તરીકે T20 ટીમમાં પાછા ફર્યા છે. જીતેશ શર્માએ પણ વાપસી કરી છે. જ્યારે, શ્રેયસ ઐયર, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને કેએલ રાહુલ જેવા સ્ટાર ખેલાડીઓને આ ટીમમાં સ્થાન મળ્યું નથી.
કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઐયરે 600 થી વધુ રન બનાવ્યા હતા. રાહુલે પણ તેના બેટથી ઘણા રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે અપેક્ષા મુજબ ઝડપી ગતિએ રન બનાવ્યા હતા. ત્રણેય ખેલાડી ટીમમાં સ્થાન મેળવવાને લાયક હતા, પરંતુ દરેકને આંચકો લાગ્યો છે. તેમજ, ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ઘણી વિકેટ લેનારા મોહમ્મદ સિરાજને પણ T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
IPL 2025 માં 650 રન બનાવનારા ભારતના ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત છે. આ ઉપરાંત, IPL 2025 માં ફિનિશર તરીકે ઉભરી આવેલા વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને પણ એશિયા કપની 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું છે.
એશિયા કપ માટેની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, 15 સભ્યોની ટીમમાં 4 ઓલરાઉન્ડર અને 3 ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ટીમ સ્પિનરોથી ભરેલી છે. બેટિંગ વિભાગમાં પણ સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે અને જીતેશ શર્માના રૂપમાં મોટા નામ છે.
2025 એશિયા કપ માટે ભારતીય ટીમ- સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા અને રિંકુ સિંહ.