• દિવસે નેટ ન મળતા રાત્રે બે વાગ્યે ઊઠીને ઓનલાઈન ફોર્મ અપલોડ કરતા હતા
• શિક્ષક એવા BLOને છાતીમાં દુઃખાવો ઉપડતા વડનગર લઈ જવાયા
• શિક્ષકના મોતથી સુદાસણા ગામમાં શોકનો માહોલ સર્જાયો
મહેસાણાઃ ગુજરાતમાં મતદાર સુધારણા યાદી (SIR)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં BLO તરીકે મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. કામના ભારણને લીધે BLO કંટાળી ગયા છે. અત્યાર સુધીમાં ચાર જેટલા BLOનો ભોગ લેવાયો હતો જેમાં વધુ એક BLOનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા. રાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઊપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.
આ બનાવની વિગત એવી છે કે, મહેસાણાના સતલાસણા તાલુકાના સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દિનેશકુમાર મેલાભાઈ રાવળ 2001થી સર્વિસ કરે છે. BLO તરીકેનું કામ તેમના સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું અને હાલ SIRની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા. એસઆરની કામગીરીમાં જે ફોર્મને અપલોડ કરવાના હોય છે. ઓનલાઈન કરવાના હોય છે. એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા. ગઈકાલે રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીમાં દુખાવો ઊપડ્યો. પરિવારજનોને જાણ થતાં તેમના મિત્રોને બોલાવ્યા. ગામમાં દવાખાને લઈ ગયા પરંતુ ત્યાં સારવાર મળી નહીં ડૉક્ટર ઉપલબ્ધ નહોતા. એટલે એ લોકો વડનગર સિવિલમાં લાવ્યા હતા અને સિવિલમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા હતા.
દિનેશભાઈના સાથી કર્મચારીઓના કહેવા મુજબ દિનેશભાઈએ SIRની કામગીરી લગભગ 70% જેવી પૂરી કરી દીધી હતી. અને કામ પણ એમનું સારું હતું. શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનો હતો કે ટૂંકાગાળાની અંદર જે કામ આપેલું હતું એ ગોલ એમને પૂરો કરવાનો હતો. અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નહોતુ. એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ન કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે. અને એ કામ એ રાત્રે કરતા હતા, એ દરમિયાન આ બનાવ બન્યો હતો.


