- ઓવરસ્પિડમાં કારની ટક્કરથી અક્ટિવાસવાર બે જણા કારની નીચે ફસાઈ ગયા,
 - સ્થાનિક લોકોએ લોકોએ કારચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો,
 - પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
 
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના કૂબેરનગર વિસ્તારમાં પૂરફાટ ઝડપે આવેલી હોન્ડાકારે એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા બે એક્ટિવા સવાર સહિત ત્રણ લોકો ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવાસવાર બે લોકો તો કારનીચે ફસાઈ ગયા હતા. બંનેને મહામહેનતે બહાર કાઢી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ગઈકાલે રવિવારે મોડી સાંજે શહેરના કુબેરનગરના બંગલા એરિયાથી સૈજપુર-બોઘા જવાના રોડ પર વિશાલ અશોકભાઈ મોટવાણી એક્ટિવા લઇને પસાર થતા હતા. ત્યારે બંગલા એરિયા નજીક પુરઝડપે આવેલી કારના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. બાદમાં કારચાલકે અન્ય એક એક્ટિવાને પણ અડફેટે લીધી હતી. બંને એકટીવાના ચાલકો કાર નીચે આવી ગયા હતા. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બન્ને એક્ટિવાચાલકોને બહાર કાઢ્યા હતા.જેમાં હેમંતભાઈ લાલવાણી અને જયભાઇ તથા વિશાલભાઇને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇને કારચાલકને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. કારચાલકનું નામ ભરત શાહ શાહીબાગમાં રહેતો હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતગ્રસ્ત કારમાંથી બે સ્પ્રેની બોટલ અને એક પીળા કલરનું પ્રવાહી ભરેલ બોટલ મળી આવી હતી જેને પરીક્ષણ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

