- સુરેન્દ્રનગરના 7 યુવાનોને નોકરીની લાલચ આપી 35.15 લાખ પડાવ્યા હતા,
 - આરોપીએ નકલી સહી-સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલ્યા હતા,
 - મેરિટ લીસ્ટમાં નામ ન આવતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો,
 
સુરેન્દ્રનગરઃ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની નોકરી અપાવવાની લાલચ આપીને એક યુવક અને યુવતીએ સુરેન્દ્રનગરના સાત વ્યક્તિઓ પાસે 35.15 પડાવ્યા હતા. એટલું જ નહીં યુવક અને યુવતીએ નકલી સહી-સિક્કા કરી નોકરીના ઓર્ડર પણ મોકલ્યા હતા.ત્યારબાદ નોકરી માટે રાહ જોતાં ઉમેદવારોનું મેરિટ લીસ્ટમાં નામ ન આવતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ યુગલની ધરપકડ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને એપ્લોયર રજિસ્ટ્રેશનનું ફોર્મ બનાવી બનાવટી સહી સિક્કા કરી સાત ઉમેદવારો પાસેથી કુલ રૃા.35.15 લાખની છેતરપીંડી તેમજ ઠગાઈ કરનારા સુરેન્દ્રનગર શહેરની એક યુવતી સહિત બે આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય એક આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી હતી કે, સુરેન્દ્રનગર કડીયા સોસાયટી શેરી નં-2માં રહેતા જયેશકુમાર બાબુભાઇ મકવાણા દસેક વર્ષ પહેલા પ્રાઇવેટ શિક્ષક તરીકે નોકરી કરતા હતા ત્યારે સુરેન્દ્રનગરના કાનજીભાઇ ગંગારામભાઈ કુણપરા સાથે પરિચયમાં આવ્યા હતા. કાનજીભાઈ કુણપરા (રહે.દાળમીલ. સુરેન્દ્રનગર)એ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)માં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે નોકરી કરે છે અને સુરેન્દ્રનગરના કિરણબેન સરવાણીયા પણ ત્યાં જુની.કલાર્ક તરીકે નોકરી કરે છે અને બંનેનું એએમસી સેટિંગ છે કોઈને નોકરી જોઈતી હોય તો જણાવા કહ્યું હતું. કાનજીભાઈએ જયેશકુમારને એએમસીમાં ભરતીનો મેસેજ કર્યો હતો અને કોઈને નોકરી જોઈતી હોય વ્યક્તિ દીઠ રૂપિયા 15 લાખ વહીવટના આપવા પડશે. પહેલા 4.50 લાખ રૂપિયા આપવાના અને બાકીના રૂપિયા નોકરીનો ઓર્ડર આવી ગયા બાદ આપવાના રહેશે તેમ જણાવ્યં હતું.
જયેશકુમારએ પોતાનો ભત્રીજો હાર્દિક મકવાણા અને તેના મિત્રો સંજયભાઈ (બંને રહે.સુરેન્દ્રનગર), કુટુંબિજનો, વેવાઈ સહિત સાત માટે નોકરી અંગે વાત કરી અને એડવાન્સ પેટે કાનજીભાઈ અને કિરણબેન અને અમદાવાદ રહેતા વિજયભાઈ વાઘેલાને રૂપિયા. 35.15 લાખ આપ્યા હતા. બાદ ઉમેદવારોના નોકરીના ઓર્ડરો વોટ્સઅપથી મોકલ્યા હતા. થોડા દિવસો બાદ એએમસી દ્વારા નોકરીનું મેરીટ લિસ્ટ બહાર આવતા ફરિયાદીએ ચેક કરતા સાતેય ઉમેદવારોના લીસ્ટમાં નામ ન આવતા નોકરીના ઓર્ડર તથા મ્યુનિસિપલ કચેરીના પત્ર સાથે અધિકારીને બતાવતા આ નોકરીના ઓર્ડરો નકલી અને ખોટા સહિ સીક્કાવાળા હોવાનું બહાર આવતા ફરિયાદી સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણ થતા જયેશ કુમારે એ-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે એક યુવતી સહિત બે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

