
- માઉન્ટમાં કૂદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું,
- પહોડામાંથી વહેતા ઝરણાને નિહાળીને પ્રવાસીઓ રોમાંચક બન્યા,
- માઉન્ટમાં નખી તળાવ થયું ઓવરફ્લો
અમદાવાદઃ ગુજરાતની સરહદ પર રાજસ્થાનમાં આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં આજકાલ વરસાદી માહોલમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે. વાદળોથી ઘેરાયેલા પર્વતિય વિસ્તારમાં ખળખળ વહેતા ઝરાણાં જોવા મળી રહ્યા છે, અને વરસાદી સીઝનને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આબુ રોડ અને આબુ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદથી માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પહાડોમાંથી વહેતા ઝરણાં અને ચારેયકોર કુદરતનો અદભૂત નજારો નીહાળવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે અને ધોધમાર વરસાદની મજા માણી રહ્યા છે
માઉન્ટ આબુ સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે, ત્યારે લોકોને ગરમીથી રાહત મળી છે. શનિ-રવિ રજાના દિવસોમાં માઉન્ટ આબુ પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વરસાદ બાદ માઉન્ટ આબુ પર કુદરતના અદભૂત સૌંદર્યના સાક્ષાત દર્શન થતાં પ્રવાસીઓમાં હરખ છવાયો છે. અહીં પ્રવાસીઓ વરસાદી માહોલ વચ્ચે રેઈનકોટ અને છત્રી લઈને ફરતાં જોવા મળ્યા હતા.
માઉન્ડ આબુમાં ભારે વરસાદને લઈને નખી સરોવર ઓવરફ્લો થયો છે. ગત 24 કલાકમાં 30 મિ.મી. વરસાદ ખાબક્યો છે. બીજી તરફ, વીકેન્ડને લઈને પ્રવાસીઓની ભારે ભીડ પણ જામી છે અને પ્રવાસીઓ વરસાદ અને ઠંડા વાતાવરણની મજા લઈ રહ્યા છે. નક્કી સરોવર ઓવરફ્લો થતાં બોટિંગ બંધ કરવામાં આવ્યું છે.