- યાત્રાના માર્ગ પર અચાનક ડાલામથ્થા સિંહે એન્ટ્રી લેતા શ્રદ્ધાળુઓના શ્વાસ થંભી ગયા
- બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાયો
- વન વિભાગે યાત્રાળુઓનાં માર્ગ પર સુરક્ષામાં કર્યો વધારો
પાલિતાણાઃ lion on the way to Shetrunji Yatra જૈનોના સુપ્રસિદ્ધ તિર્થધામ પાલિતાણામાં ગિરિરાજ શેત્રુજી પર્વત પર યાત્રાળુઓ પદયાત્રા કરીને શિખર ચડી રહ્યા હતા. ત્યારે અચાનક સિંહ આવી જતા પદયાત્રીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જોકે સિંહ યાત્રીકોને પરેશાન કર્યા વિના પગથિયા પરથી ડુંગરના જંગલ વિસ્તારમાં જતો રહ્યો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા.પાલિતાણાના શેત્રુંજીના જંગલ વિસ્તારમાં ઘણા સમયથી સિંહ વસવાટ કરી રહ્યા છે. બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાવાની આ ઘટનાએ વન વિભાગ અને યાત્રિકો બંનેને સતર્ક કરી દીધા છે
જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં ગઈકાલે 22 ડિસેમ્બર સવારે અંદાજે 10 વાગ્યાની આસપાસ જ્યારે અનેક શ્રદ્ધાળુઓ ડુંગર પર ચઢાણ કરી રહ્યા હતા અને કેટલાક નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિંહ ચાલતો-ચાલતો પગદંડી પર આવી ચડ્યો હતો. સિંહને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવનો વિડિયો પણ વાયરલ થયો હતો. જેમાં એક યુવક ડરના માર્યા બોલી રહ્યો છે, “એ ભાઈ ઈસ સાઈડ આ રહા હૈ”, તો બીજી તરફ મહિલાઓ એકબીજાને શાંત રહેવા અને અવાજ ન કરવા સૂચના આપી રહી છે. ડરના માહોલ વચ્ચે પણ કેટલાક ભક્તો ‘જય આદિનાથ’ના નારા લગાવતા અને ભગવાનને યાદ કરતા જોવા મળ્યા હતા.
આ ઘટના અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગઈકાલે 22 ડિસેમ્બર, 2025ના રોજ સવારના સમયે સિંહ ડુંગરના પગથિયા સુધી આવી ગયો હતો. શેત્રુંજી ગિરિરાજ પર્વત જંગલ વિસ્તારમાં આવતો હોવાથી વન્યપ્રાણીઓ ઘણીવાર રસ્તો ઓળંગવા માટે પગદંડી પર આવી જતા હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે જંગલ વિસ્તારમાં વન્યપ્રાણી દેખાય ત્યારે શાંતિ જાળવવી અને તેમની નજીક જઈને વીડિયો ઉતારવાનું જોખમ ન ખેડવું જોઈએ. શેત્રુંજય પર્વતનો વિસ્તાર બૃહદ ગીરનો ભાગ ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી સિંહોનું વિચરણ ગીરના મુખ્ય જંગલથી બહાર નીકળીને ભાવનગરના દરિયાકાંઠા અને ડુંગરાળ વિસ્તારો સુધી વધ્યું છે. બે મહિના પહેલા પણ આ જ પર્વત પર સિંહ દેખાયો હતો.


