
- ફેરીયાઓએ માથાકૂટ કરીને ગાડીમાં ભરેલો સામાન ઉતારી લીધો,
- સેવા સંસ્થાની મહિલાઓ અને વેપારીઓએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે બોલાચાલી કરી,
- ભદ્રકાળી માતાજીના મંદિર પાસે પથરણાવાળાને હટાવ્યા
અમદાવાદઃ શહેરનના લાલદરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા અને નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસના લારી અને પથરણાવાળાના દબાણો દૂર કરવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે આવતા પથરણાવાળામાં નાસભાગ મચી ગઈ હતી. ઘણા પથરણાવાળાનો સામાન જપ્ત કરીને ટ્રકમાં ભરી દેવાતા માથાકૂટ થઈ હતી. દરમિયાન સેવા સંસ્થાની મહિલાઓ અને અન્ય ફેરિયાઓ એકઠા થઈ ગયા હતા. દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી ઘંઘો કરવા માટે આજીજી પણ કરવામાં આવી હતી. દરમિયાન પાથરણાવાળાઓએ જપ્ત કરેલા પોતાનો સામાન ટ્રકમાંથી ઉતારી લીધો હતો. આ મામલે AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી છે.
નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં ભદ્રકાળી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે મંદિરની બહાર પાથરણાંવાળાઓ બેસી જાય છે જેના કારણે લોકોને અવર-જવરમાં તકલીફ પડે છે. ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલસામાન ગાડીમાં ભર્યો હતો. ત્યારે સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બોલાચાલી તેમજ દાદાગીરી કરીને સામાન ઉતારી લીધો હતો.
શહેરના ત્રણ દરવાજાથી ભદ્ર પ્લાઝા સુધી પાથરણા બજારના કારણે ખૂબ ભારે ભીડ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે મંદિર પરિસર નજીક બેસી રહેલા પાથરણાંવાળાઓને હટાવ્યા હતા પરંતુ ફરી પાછા પાથરણાંવાળાઓ આવી ગયા હતા. જેના કારણે સેવા સંસ્થાની મહિલાઓ અને અન્ય કેટલાક લોકોએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણ અને બોલાચાલી કરી હતી. એસ્ટેટ વિભાગની ગાડીમાં દબાણનો સામાન ભરી લેવામાં આવ્યો હતો જેને ઉતારી લેવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ટીમ સાથેની એસઆરપી પોલીસે તેમને સમજાવ્યા હતા છતાં પણ તેમની સાથે માથાકૂટ કરી હતી.