
- પેસેન્જરો લેવા માટે રોડ પર વાહનો ઊભા રાખવામાં આવે છે
- નારી બ્રિજ નીચે રોડ સાંકડો હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે
- સુરત-મુંબઈની રોજ 200થી વધુ બસ પસાર થતી હોવાથી પ્રવાસીઓ પણ નારી ચોકડીથી બસમાં બેસે છે
ભાવનગરઃ શહેરમાં નારી ચોકડીએ પ્રવેશ દ્વાર ગણાય છે, નારી ચોકડી પર ઓવરબ્રિજ બનાવેલો છે, જે તળાજા અને મહુવા તરફ જતા વાહનો માટે છે. જ્યારે ભાવનગરથી વાહનો અમદાવાદ, વડોદરા અને સુરત, અને મુંબઈ જવા માટે નારી ચોકડીથી ટર્ન લઈને હાઈવે પર ચડતા હોય છે. ટર્નિંગથી હાઈવે સુધીનો રોડ સાંકડો છે, તેમજ આ રોડ પર પેસેન્જરોને લેવા માટે લકઝરી બસો અને શટલિયા વાહનો રોડ પર ઊબા રહેતા હોવાથી વધુ ટ્કાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
શહેરના નારી ચોકડી પર રાજકોટ બાજુનો ટ્રાફિક હોય છે તો બીજી બાજુ અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈનો ટ્રાફિક હોય છે.એ જ રીતે ત્રીજી બાજુ અલંગ, સોમનાથ માટે તો ચોથી બાજુ ભાવનગર સિટી માટેના વાહનો અને પેસેન્જરો હોય છે. એટલે આ ચોકડી ઉપર ટ્રાફિકની સમસ્યા નિવારવી જરૂરી છે. આ રીતે આ પોઈન્ટ પર દિવસ-રાત વાહનોનો અવિરત ધસારો રહેતો હોય ટ્રાફીક જામનો પ્રશ્ન રહે છે.
શહેરના નારી ચોકડી વાહનોની અવરજવર માટેનો મુખ્ય પોઇન્ટ બની ગયો છે. હવે ત્યાં ફ્લાય ઓવર પણ બની ગયો છે. પરંતુ લક્ઝરી બસોને કારણે નારી ચોકડી ઉપર સતત ટ્રાફિકજામ રહે છે. જેના કારણે વાહન ચાલકોથી માંડીને પેસેન્જરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. નારી ચોકડીથી સુરત મુંબઈ માટે 200થી પણ વધુ બસો પરિવહન કરી રહી છે. ખરેખર તંત્રએ એ બસો માટે અલગ સ્ટેન્ડની વ્યવસ્થા કરી આપવાની તાતી જરૂરિયાત છે.કારણ કે અલગ અલગ ઠેકાણેથી બસો ઉપડતી હોવાને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને પોલીસ ખાતાને પણ તે ટ્રાફિકને સંભાળવાનું કામ મુશ્કેલ બની જાય છે. નારી ચોકડીથી અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિતના સ્થળોએ જવા માટે લકઝરી બસો મળી રહેતી હોય પેસેન્જરો પણ નારી ચોકડીના સર્કલે આવીને ઊભા રહેતા હોય છે. તો લકઝરી બસવાળા પણ આ વિસ્તારમાં પોતાના પોઈન્ટ રાખે છે અને બસને થોભાવે છે તેથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.