1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરાશે
ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરાશે

ગુજરાતભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ટ્રાફિક પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ કરાશે

0
Social Share
  • નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ સામે કાર્યવાહી કરાશે
  • ટ્રાફિક બ્રાંચ, RTO, NHAI સહિતના વિભાગો સાથે સંકલન કરી ઝૂંબેશ હાથ ધરાશે
  • રોડ સેફ્ટી ઓથોરિટીના પત્ર બાદ હવે વાહનચાલકો સામે મેગા ડ્રાઈવ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. શહેરી વિસ્તારોમાં પણ વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોવાથી અકસ્માતોના બનાવો બને છે, ત્યારે  માર્ગ અકસ્માતો અટકાવવા અને મૃત્યુદર ઘટાડવાના હેતુથી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કાયદાનું કડક અમલીકરણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આથી ગૃહ વિભાગની ટ્રાફિક બ્રાંચ, RTO, માર્ગ અને મકાન વિભાગ, NHAI સહિતના વિભાગો સાથે સંકલન રાખી રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.

રાજ્યમાં મોટર વાહન અધિનિયમ મુજબ વાહન પર યોગ્ય નંબર પ્લેટ રાખવી અને બ્લેક ફિલ્મ વિના વાહન ચલાવવું ફરજિયાત છે. તેમ છતાં રાજ્યભરમાં આજે પણ અનેક વાહનો કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ અથવા “કાળો નાગ”, “રામા ધણી” જેવા લખાણો સાથે બેફિકર રીતે ફરતા જોવા મળી રહ્યા છે. આવા વાહનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને અકસ્માત બાદ હિટ એન્ડ રન જેવી ઘટનાઓમાં વાહનની ઓળખ મુશ્કેલ બનાવે છે, જેના કારણે પીડિતોને વીમા તથા વળતર મળતું નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખી રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર લખી કાળા કાચ(બ્લેક ફિલ્મ), નંબર પ્લેટ વગરના વાહનો અને ગેરકાયદેસર લખાણો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સચિવાલય અને પોલીસ ભવન સહિત અનેક વિસ્તારોમાં આવા વાહનો સામે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

સ્ટેટ ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, કાળા કાચ, નંબર પ્લેટ અને ઓવર સ્પીડિંગ સામેની કાર્યવાહી તો નિયમિત રૂટિન કામગીરીનો ભાગ છે, પરંતુ હવે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી પત્ર મળતા આ મુદ્દે વધારાની કામગીરી કરવામાં આવશે અને નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે.

રાજ્યમાં રોડ સલામતી માટે કાયદા માત્ર કાગળ પર નહીં, પરંતુ રસ્તા પર અસરકારક રીતે અમલમાં આવે તે જરૂરી છે. નાગરિકોની અપેક્ષા છે કે આવનાર સમયમાં શરૂ થનારી ટ્રાફિક ડ્રાઇવ માત્ર થોડા દિવસ પૂરતી ન રહી, પરંતુ સતત અને કડક કાર્યવાહી દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર સાચી બ્રેક લગાવવી જરૂરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code