
- કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો,
- ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો,
- કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા
મોરબીઃ રાજ્યના નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી ટોલનાકા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો, સુરજબારી ટોલનાકા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં કન્ટેનર-ટ્રક અને કાર અથડાઈ હતી. વાહન અથડાતાની સાથે જ બે વાહનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં ઘટનાસ્થળે જ ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. જો કે, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તોની સામખિયાળી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.
મોરબીના માળિયા-સૂરજબારી પુલ પર ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એક કન્ટેનર પલટી મારી જતાં પાછળ આવતી આર્ટિગા કાર સાથે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં આગ લાગી હતી, જેમાં બે વિદ્યાર્થી અને ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનાં કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મોરબી-કચ્છ હાઇવે પર માળિયા મિયાણા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી પુલ નજીક ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સૌપ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું હતું. ત્યાર બાદ એની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાછળથી આવી રહેલી અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ વાહનોમાં આગ લાગી હતી. આ આગમાં અર્ટિગા કારમાં સવાર બે બાળકો અને ટેન્કરના ડ્રાઇવર તેમજ ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિ ભડથું થઈ ગઈ હતી. અર્ટિગા કારમાં સવાર અન્ય સાત વ્યક્તિને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સામખિયારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૃતકોનાં નામ જે જાણવા મળ્યા છે, જેમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા (ઉંમર 15 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ), જૈમીન જગદીશભાઈ બાબરિયા (ઉંમર 17 વર્ષ, રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ), શિવરામ મંગલરામ નાઈ ( રહે. બિકાનેર, રાજસ્થાન) અને એક મૃતકની ઓળખ હજી બાકી છે. મૃતકોમાં રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા (ઉં.વ. 15) અને જૈમીન જગદીશભાઈ બાબરિયા (ઉં.વ. 17), બંને રહેવાસી મીઠી રોહર, ગાંધીધામ રહેવાસી છે. આ બંને વિદ્યાર્થી જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.
માળિયા તાલુકા પોલીસ તથા મોરબી જિલ્લા એસપીને બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગયા હતા અને અકસ્માત થયેલાં વાહનોને રોડ સાઈડમાં ખસેડવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને કચ્છ-મોરબી હાઇવેને ક્લિયર કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સામખિયાળીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ મેળવવા માટે તપાસ ચાલી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
માળિયા-સૂરજબારી પુલ પાસે થયેલા અકસ્માત બાદ કચ્છ તરફ જતા હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની એક તરફ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. આ ભયાનક અકસ્માતમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે ટ્રકનું કેબિન સહિતનો મોટો ભાગ પણ આગમાં નાશ પામ્યો હતો. વાહનો હટાવવાની કામગીરી બાદ ટ્રાફિક ધીમે ધીમે પૂર્વવત થયો હતો.