
- જોડિયા હાઈવે પર પદયાત્રી મહિલાને કચડીને ટ્રકચાલક નાસી ગયો હતો,
- પોલીસે ટ્રક સાથે નાસી ગયેલા ડ્રાઈવરને પકડવા આજુબાજુના સીસીટીવી મેળવ્યા હતા
- ટ્રક સાથે બિહારી ટ્રકચાલકની પોલીસે કરી ધરપકડ
જામનગરઃ જિલ્લાના જોડિયા તાલુકામાં થોડા દિવસ પહેલા દ્વારકા પગપાળા જઈ રહેલી મહિલાઓને ટ્રકે અડફેટે લેતા ત્રણ મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 5 મહિલાઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતના આ બનાવમાં ટ્રક સાથે તેનો ચાલક નાસી ગયો હતો. એટલે પોલીસે ટ્રકની ઓળખ મેળવીને તેના ચાલકને પકડવા માટે સીસીટીવી કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી, પોલીસે નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલકને શોધી કાઢી અટકાયતમાં લીધો છે, અને ટ્રક કબજે કરી લીધો છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી હતા કે, ગત તા.17/02/2025 ના વહેલી સવારના આમરણથી ધ્રોલ તરફ જતા નેશનલ હાઈવે રોડ પર મોરાણા ગામથી થોડે આગળ બાલંભા પાટીપા પાસે હાઈવે રોડ પર 12 મહિલાઓ પગપાળા ચાલીને દ્વારકા દર્શને જતા હતા, તે દરમિયાન પાછળથી આવતા ટ્રક (ટ્રેલર) ના ચાલકે પોતાની ટ્રક (ટ્રેલર) પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પગપાળા ચાલીને જતા મહિલાઓને હડફેટે લઈ અકસ્માત કરી ટ્રક સાથે પલાયન થઈ ગયો હતો. જઆ બનાવમાં ઘટના સ્થળ પર ત્રણ મહીલાઓના મૃત્યુ થયા હતા.તેમજ 5 મહિલાઓને શરીરે નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવ બાબતે જોડીયા પો.સ્ટે.માં ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો વણશોધાયેલો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ જોડીયા પો.સ્ટે.ના સ્ટાફે આ વણશોધાયેલા ગુન્હાની તપાસ દરમ્યાન અલગ અલગ ટીમ બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ હ્યુમનસોર્સની મદદથી નાશી જનાર ટ્રક(ટ્રેલર) રજી નં-એન એલ-01 એ.જે- 0764 નંબરના ટ્રેલર ચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવ જાતે યાદવ (રહે. તેલબદરો જી.નવાડા બિહાર) ને ઝડપી લઈ ટ્રક ટ્રેલર કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.