તુર્કીઃ એજિયન સમુદ્રમાં હોડી ડુબતા 14 પ્રવાસીઓના મોત, બે લાપતા
તુર્કીના અંકારા નજીક આવેલા એજિયન સમુદ્રમાં એક હોડી ડૂબી જતા ભારે હાહાકાર મચી ગયો હતો. આ હોડીમાં કુલ 18 પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 14 લોકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. તુર્કી અધિકારીઓએ જણાવ્યું કે, બચાવ અને શોધખોળ કામગીરી ચાલુ છે. અકસ્માતમાં બચી ગયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી (UNHCR)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 દરમિયાન આ વિસ્તારામાં અત્યાર સુધી 200થી વધુ હોડી ડૂબવાની ઘટનાઓ બની ચૂકી છે, જેમાં અનેક લોકોના મોત થયાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ડૂબેલી હોડીમાં એક આફગાન નાગરિક પણ સવાર હતો. આ દુર્ઘટનામાં બે લોકો જીવતા બચ્યા છે, જ્યારે બે લોકો હજુ સુધી લાપતા છે. બચાવદળો સમુદ્રમાં તણાયેલા લોકોની શોધમાં લાગી ગયા છે.
સ્થાનિક પ્રશાસન મુજબ, મુગલા પ્રાંતના લોકપ્રિય દરિયાકિનારા શહેર બોડરમથી હોડી નીકળ્યા બાદ માત્ર 10 મિનિટમાં જ તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. જીવતા બચેલા એક વ્યક્તિએ લગભગ છ કલાક સુધી તર્યા પછી કિનારે પહોંચ્યો હતો. જ્યારે બીજો મુસાફર નજીકના ટાપુ પર મળી આવ્યો હતો. લાપતા લોકોની શોધ માટે ચાર કોસ્ટગાર્ડ નૌકાઓ, એક ડાઇવર ટીમ અને એક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલો એવો બનાવ નથી. 17 નવેમ્બર 2023ના રોજ પણ એજિયન સમુદ્રમાં એક ભયાનક નાવ અકસ્માત બન્યો હતો, જેમાં ગ્રીક ટાપુની નજીક એક હોડીમાં સવાર લગભગ 50 લોકોમાંથી અનેકના મોત થયા હતા. તે સમયે પણ અનેક શરણાર્થીઓ તુર્કીમાંથી ભાગી રહ્યાં હતા. આ ઘટનાએ સમગ્ર તુર્કીને શોકમાં મૂકી દીધું હતું. UNHCRના જણાવ્યા મુજબ, 2025 દરમિયાન આ વિસ્તારામાં 200થી વધુ હોડી ડૂબવાની ઘટનાઓમાં 500થી વધુ લોકોનાં મોત થયા છે.
એજન્સીએ જણાવ્યું કે, કડક સરહદ નીતિઓને કારણે પ્રવાસીઓ હવે નાની રબરની બોટનો ઉપયોગ કરે છે, જે પવન અથવા તરંગોથી સહેલાઈથી ઊંધી પડી જાય છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ દુર્ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે અને UNHCRએ તુર્કી અને ગ્રીસને મળીને સંયુક્ત રાહત કામગીરી વધુ મજબૂત બનાવવા અપીલ કરી છે.


