- બાઈકને ટક્કર માર્યા બાદ અજાણ્યુ વાહન નાસી ગયું
- એકબાઈક સવારનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત,
- કપુરાઈ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ મુંબઇ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વાઘોડિયા બ્રિજ નજીક સર્જાયો હતો. હીટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બન્નેના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ અજાણ્યા વાહન સાથે તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં વડોદરાની કપુરાઈ પોલીસે અજાણ્યાવાહન ચાલક સામે ગુનોં નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવાર બે મિત્રોના મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં રહેતા દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થળ પર લોકોની ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ગંભીરભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કપુરાઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અકસ્માતમાં ભોગ બનેલા ગંભીરભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને બે દીકરા છે. તેઓ આઇસર ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. જ્યારે દિલીપભાઈના છૂટાછેડા થયેલા હતા. તેઓ સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પિતા પણ તેમની સાથે નોકરી કરતા હતા.


