
જયપુરઃ રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીડુંગરગઢ વિસ્તારમાં નેશનલ હાઇવે-11 પર શીખવાલ ઉપવન પાસે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે શ્રીડુંગરગઢ-રતનગઢ રોડ પર બે સ્વિફ્ટ ડિઝાયર કાર સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કેટલાક લોકો કારના કાચમાંથી બહાર નીકળી ગયા હતા. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું. કાર કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ ટીમ અને બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાને કારણે ટ્રાફિક પણ લાંબા સમય સુધી ખોરવાઈ ગયો હતો.
માહિતી મુજબ, અભય સિંહ પુરા, દિનેશ જાખર અને મદન સરનનું કારમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મનોજ જાખરનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. બીજી કારમાં બેઠેલા સંતોષ કુમાર, મલ્લુરામ, જીતેન્દ્ર, લાલચંદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મુજબ, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ ટીમ પહોંચી ત્યારે લોકોના મૃતદેહો રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા. હાલમાં, પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.