
- તળાજા તાલુકાના પાવઠી ગામે બનેલો બનાવ,
- ઘર બહાર પાર્ક કરેલી કારમાં બાળકો પ્રવેશતા જ કારનો દરવાજો લોક થઈ ગયો,
- એક જ પરિવારના માસુમ ભાઈ-બહેનના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ
ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં ઘર પાસે એક કાર પાર્ક કરેલી હતી. ત્યારે પરિવારના બે નાના ભાઈ-બહેન રમતા રમતા કારમાં પુરાઈ ગયા હતા. દરમિયાન કારનો દરવાજો લોક થઈ જતાં ગૂંગળાઈ જવાથી બન્ને બાળકોના મોતને નિપજ્યા હતા.આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, ગઈકાલે તા. 15 જુલાઈ, મંગળવારના રોજ સાંજે 6 વાગ્યના સુમારે તળાજા તાલુકાના પાવઠી ગામે દીપકભાઈ સોઢાતરના બે બાળકો – તન્વી (ઉંમર 6 વર્ષ) અને હિત (ઉંમર 4 વર્ષ) ઘરની બહાર પાર્ક કરેલી ફોરવ્હીલ કારમાં રમી રહ્યા હતા. રમતાં રમતાં બંને બાળકો કારમાં ગયા હતા અને અચાનક કારની લોક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ હતી. અંદર ફસાયેલા બંને ભાઈ-બહેનનું ગૂંગળામણના કારણે કરૂણ મોત નિપજ્યું હતું.
પાવઠીના ગ્રામજનોના કહેવા મુજબ દીપકભાઈ શોઢાતરના ઘર પાસે કાર પાર્ક કરેલી હતી. અને બન્ને બાળકો દરવાજો ખોલીને કારમાં પ્રવેશ્યા હતા. અને કારમાં રમતા હતા. ત્યારેકારના દરવાજા અંદરથી લોક થઈ જતાં બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા. દરમિયાન કારમાં ઓક્સિજનની અછત થતાં બંને બાળકો ગૂંગળાઈ ગયા અને બેભાન થઈ ગયા હતા. બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આખરે કારમાંથી બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.બાળકોને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટના માતા-પિતા માટે એક ચેતવણી સમાન છે. વાહનોમાં રમતાં બાળકો પર સતત નજર રાખવી જરૂરી છે. ખાસ કરીને આધુનિક કારોમાં ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ હોવાથી આવી દુર્ઘટનાઓની શક્યતા વધી જાય છે. વાલીઓએ પોતાના બાળકોની સલામતી માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ.