ડીસા, 3 ફેબ્રુઆરી 2026: તાલુકાના તાલેગંજ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પશુઓનું ભેલાણ અટકાવવા માટે લગાવવામાં આવેલા ઝટકા મશીનના કારણે ખેડૂત એવા બે ભાઈઓના મોત નિપજતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખેતરમાં આંટો મારવા ગયેલા નાના ભાઈને કરંટ લાગ્યા બાદ, તેને બચાવવા ગયેલા મોટા ભાઈનું પણ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેગંજ ગામના વતની મોહન ધુડા પાનકૂટા (દેસાઈ) પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે લગાવેલા ઝટકા મશીન પાસે આંટો મારવા ગયા હતા. આ દરમિયાન મશીન ચાલુ હોવાથી અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન મોહન એક કલાક સુધી ઘરે પરત ન ફરતા, તેમના મોટા ભાઈ કાના ધુડા પાનકૂટા (દેસાઈ) તેમને શોધવા ખેતરે પહોંચ્યા હતા. ખેતરમાં નાના ભાઈને નીચે પડેલા જોઈ તેમને બેઠા કરવા જતાં કાનાને પણ વીજ કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ બંને ભાઈઓના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. બંને ભાઈઓ લાંબા સમય સુધી પરત ન આવતા પરિવારજનોએ ખેતરમાં જઈ તપાસ કરી હતી. ત્યાં બંને ભાઈઓના મૃતદેહ જોઈ પરિવાર પર આભ ફાટ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઉમટી પડ્યા હતા. એક જ પરિવારના બે કમાતા દીકરાઓના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. રબારી સમાજના આ બંને ભાઈઓની અંતિમ યાત્રા એકસાથે નીકળતા સમગ્ર તાલેગંજ ગામ હિબકે ચઢ્યું હતું. (File photo)


