અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2026: જિલ્લાના બાવળા તાલુકાના ઝેકડા ગામે ગત મોડી રાતે સામાન્ય બાબતમાં બે જુથો બાખડી પડ્યા હતા. કારમાં ગીત વગાડવા જેવી નજીવી બાબતે બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે ગામમાં પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને બંને પક્ષના અંદાજે 8થી 9 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, બાવળા તાલુકાના ઝેકડા ગામે એક કારમાં ગીતો વાગી રહ્યા હતા, જેનો અવાજ ધીમો રાખવાનું કહેતા બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના લોકો લાકડીઓ અને પથ્થરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. બંને જૂથોએ એકબીજા પર આડેધડ પથ્થરમારો શરૂ કર્યો હતો. આ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હુમલા દરમિયાન કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
આ બનાવ દરમિયાન ગામમાં એવી વાતો વહેતી થઈ હતી કે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે. જોકે, પોલીસે તાત્કાલિક આ અફવાનું ખંડન કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ કેરાળા GIDC પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા બંને પક્ષના અંદાજે 8થી 9 વ્યક્તિઓ સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. ગામમાં ફરીથી કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે.


