
- રોડ પર ટ્રક બંધ પડતા આઈસરનો ચાલક- ક્લીનર ટ્રકચાલકને મદદ માટે ઉતર્યા હતા,
- દરમિયાન પૂરફાટ ઝડપે ઈકો કાર બંધ પડેલી ટ્રક પાછળ અથડાઈ,
- ઈકોકારના ચાલક અને ટ્રકચાલકને મદદ માટે ઉતરેલા આઈસરના ક્લીનરનું મોત
નડિયાદઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મહેમદાવાદ રોડ પર બન્યો હતો. મહેમદાવાદ કઠલાલ રોડ ઉપર ખાત્રજ સીમ રામપુરા પાટિયા નજીક રોડ ઉપર ઊભેલી ટ્રકના ચાલકને મદદ કરવા ઉતરેલા આઈસરના ક્લીનર તેમજ ટ્રક પાછળ અથડાયેલી ઈકો ગાડીના ચાલકનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, માતર તાલુકાના આતરોલી તાબેના મહિલાપુરા ગામના વિક્રમભાઈ રાવજીભાઈ રાઠોડ ત્રાજથી આઇસર ગાડી હંકારી મહેમદાવાદ ખાત્રજ ચોકડીથી કઠલાલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રામપુરા પાટિયા નજીક રોડ ઉપર ઊભેલી ટ્રકના ચાલકે મદદ માટે હાથ ઊંચો કરતા વિક્રમભાઈ રાઠોડે આઈસર ઉભી રાખી કંડકટર વિજયભાઈ વાઘેલા નીચે ઉતરી તાડ પત્રી ઢાંકેલા ટ્રકના ચાલકને મદદ કરતો હતો. ટ્રક પાછળ આડસ કે વાહન દેખાય તેવી કોઈ વ્યવસ્થા કે સાઈડ લાઈટ ચાલુ ન હતી. જેથી માંકવા તરફથી આવેલી ઈકો ગાડી ધડાકાભેર ટ્રક પાછળ અથડાતા ઈકો ગાડીનો આગળના ભાગનો ભૂકકો બોલાઈ ગયો હતો. અકસ્માત સર્જાતા ટ્રકની મદદ કરનારા વિજયભાઈ સુરેશભાઈ વાઘેલા (ઉં.વ. 44) તેમજ ઈકો ગાડીના ચાલક જયદીપભાઇ રમેશભાઈ ડાભી (ઉં.વ.32) રહે. માંકવા તાબે રામનગરવાળાને ગંભીર ઈજા થતા મહેમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વિક્રમભાઈ રાવજીભાઈ રાઠોડની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ટ્રક તેમજ ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.