વડોદરા,16 જાન્યુઆરી 2026: રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વડોદરા-હાલોલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, વડોદરા-હાલોલ હાઈવે પર જરોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રેલીસ હોટલ નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ઈકો કારમાં મેડી મદાર ગામનો પરિવાર હાલોલ તરફથી વડોદરા જઈ રહ્યો હતો ત્યારે જરોદ નજીક રેલીસ હોટલ નજીક રોડ ક્રોસ કરતી વખતે ઈકો કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં માતા અને પિતાને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાઈક પાછળ બેઠેલા તેના બે સંતાનો, ભાઈ અને બહેન, ને પણ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતમાં એક તરફ બાઈક ચાલકના સંતાનોએ પોતાના પિતા ગુમાવ્યા છે, તો બીજી તરફ ઈકો કારમાં સવાર પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવી છે. એક જ ક્ષણમાં બે પરિવારોના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ જરોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર પુનઃ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


