1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા પાસે ટ્રિપલ અકસ્માતમાં બેનાં મોત, ત્રણને ગંભીર ઈજા
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા પાસે ટ્રિપલ અકસ્માતમાં બેનાં મોત, ત્રણને ગંભીર ઈજા

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટિલા પાસે ટ્રિપલ અકસ્માતમાં બેનાં મોત, ત્રણને ગંભીર ઈજા

0
Social Share

રાજકોટ, 20 માર્ચ 2026: Two killed in triple accident ગુજરાતમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ચોટિલા નજીક સર્જાયો હતો. રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાથી 7 કિમી દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.  જ્યારે અન્ય ત્રણ જણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના કુરચા બોલી ગયા હતા અને તેના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાથી 7 કિમી દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે  હાઈવે પર ટ્રક ઉભો હતો, જેની પાછળ પીકઅપ વાન અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ તેમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી અને સ્થાનિકો દોડી આવ્યા હતા.આ અકસ્માતમાં ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ભોગ બન્યો છે. મૃતકોમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28 ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16 ) નો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં ​કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29 ),  ​હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30 ) અને  ​દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩)નો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૈત્રી નવરાત્રી નિમિત્તે આ પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલાથી સાત કિલોમીટર દૂર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક રહીશોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાઈવે પર અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરવા ક્રેનના મદદથી કાર અને પીકઅપ વાનને માર્ગ પરથી હટાવવામાં આવ્યા હતા.બંને મૃતદેહો ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code