
- ચાંગોદર નજીક હાઈવે પર મધરાતે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
- રાતે ડમ્પચાલકે યોગ્યરીતે ડમ્પર પાર્ક કર્યું નહતુ
- પૂર ઝડપે આવેલી આઈસર ટ્રક ડમ્પર પાછળ અથડાઈ
અમદાવાદઃ નેશનલ હાઈવે પર વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ન કરતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ ગત મધરાતે અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાંગોદર નજીક બન્યો હતો. મધરાત બાદ હાઈવે પર પાર્ક કરેલા ડમ્પર પાછળ પૂર ઝડપે આવેલી આઈસર ટ્રક અથડાતા બેના મોત નિપજ્યા હતા
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાંગોદર નજીક મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આઈશર ટ્રક ધડાકાભેર અથડાતાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે આઈશર ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. મૃતકોમાંથી એકની ઓળખ મેમર ગામના વીરસંગભાઈ ગાંડાભાઈ ગોહિલ તરીકે થઈ છે, જ્યારે બીજા મૃતકની ઓળખ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાત્રિના સમયે રોડ પર ડમ્પર પાર્ક કરવાની બેદરકારી અને આઈશર ટ્રકની અનિયંત્રિત ઝડપ આ અકસ્માત માટે જવાબદાર છે. અકસ્માતને કારણે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે વાહન ચાલકોને રાત્રિના સમયે વિશેષ સાવચેતી રાખવા અને નિયત ઝડપ મર્યાદામાં જ વાહન ચલાવવા અપીલ કરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.