નવી દિલ્હી: મણિપુરના ઈંફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લાઓમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બંને જિલ્લાઓમાંથી પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બંને ઉગ્રવાદીઓ ખંડણી માંગવાની ગતિવિધિઓમાં સંકળાયેલા હતા.
મળતી માહિતી મુજબ, ઈંફાલ પશ્ચિમ જિલ્લાના મયંગ વિસ્તારમાંથી પ્રતિબંધિત કેસીપી (પીડબલ્યુજી) સંગઠનનો 48 વર્ષીય સભ્ય પોતાના ઘરેથી ઝડપાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ જિલ્લાની સરકારી શાળાઓ પાસેથી ગેરકાયદે રીતે નાણા વસુલતો હતો. આવી જ રીતે ઈંફાલ પૂર્વ જિલ્લાના લાંગડુમ વિસ્તારમાંથી પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સંગઠનનો 43 વર્ષીય સભ્ય ઝડપાયો હતો. પોલીસે તેની પાસેથી બે હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા હતા. દરમિયાન સુરક્ષા દળોએ ઈંફાલ પૂર્વ જિલ્લાના નાગરિયાન હિલ વિસ્તારની તળેટીમાં ચલાવેલા ઓપરેશન દરમિયાન હથિયારો અને ગોળા-બારૂદનો જથ્થો પણ શોધી કાઢ્યો હતો. જેમાં ચાર બંદૂકો, હેન્ડ ગ્રેનેડ અને ગોળા-બારૂદનો સમાવેશ થાય છે..
અત્રે ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મે 2023 થી મૈતે અને કુકી-જો સમુદાય વચ્ચે થયેલી જાતીય હિંસાના પગલે સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ હિંસામાં અત્યાર સુધી 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે. કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું, ત્યારબાદ એન. બિરેને સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. હાલ મણિપુર વિધાનસભા સ્થગિત છે, જેનો કાર્યકાળ વર્ષ 2027 સુધીનો છે.


