નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આતંકવાદીઓ સાથેના સંભવિત સંબંધોના આરોપોને આધારે રાજ્યના શિક્ષણ વિભાગના બે કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. બરતરફ કરાયેલા બંનેની ઓળખ ગુલામ હુસૈન અને માજિદ ઇકબાલ ડાર તરીકે થઈ છે. બંને શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પીડીપી અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું કે “આવા પગલાં ખાસ કરીને કાશ્મીરી મુસ્લિમોને નબળા પાડવાના પ્રયાસ છે.” માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સંવિધાનના કલમ 311 હેઠળ અત્યાર સુધીમાં આશરે 80 સરકારી કર્મચારીઓને નોકરીમાંથી હટાવવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુલામ હુસૈન 2004માં રહબર-એ-તાલીમ (ReT) શિક્ષક તરીકે નિમાયો હતો અને 2009માં નિયમિત થયો હતો. તે રિયાસી જિલ્લાના મહોર વિસ્તારના કલવા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હતો. તપાસમાં ખુલ્યું છે કે, તે લશ્કર-એ-તૈયબાના માટે ગુપ્ત રીતે કાર્ય કરતો હતો અને રિયાસી તથા આસપાસના વિસ્તારોમાં આતંકી નેટવર્ક મજબૂત કરવાનો પ્રયાસ કરતો હતો. વર્ષ 2023માં તેની પોલીસે ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે હુસૈન લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મહંમદ કાસિમ અને ગુલામ મુસ્તફાના સંપર્કમાં હતો, જેઓ તેના હેન્ડલર તરીકે કાર્યરત હતા. હુસૈનને સ્થાનિક માધ્યમથી ફંડ મળતું હતું, જે તે આતંકવાદી પરિવારો સુધી પહોંચાડતો હતો.
આ ઉપરાંત માજિદ ઇકબાલ ડારને તેના પિતાના અવસાન બાદ 2009માં શિક્ષણ વિભાગમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે નિમણૂક મળી હતી અને 2019માં તે શિક્ષક તરીકે બઢતી પામ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે તે પણ લશ્કરનો ઓવરગ્રાઉન્ડ વર્કર હતો અને રાજૌરી તથા આસપાસના વિસ્તારોમાં યુવાઓને ઉગ્રપંથી બનાવવા માટે સક્રિય હતો. સૂત્રો મુજબ, ડાર નાર્કો-ટેરરિઝમમાં પણ સંકળાયેલો હતો અને લશ્કર-એ-તૈયબાના આતંકી મૌદ જબર સાથે તેના નજીકના સંબંધો હતા. તે નશીલા પદાર્થોના પૈસાનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે કરતો હતો. જાન્યુઆરી 2023માં રાજૌરીમાં જમ્મુ-કાશ્મીર બેંક નજીક આઈઈડી મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે આ ઈઈડી પાકિસ્તાનમાં સ્થિત તેના આકાના આદેશથી લગાવવામાં આવ્યો હતો અને તેને તેના બદલામાં નાણાકીય મદદ મળી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાની આતંકવાદ સામેની “ઝીરો ટોલરન્સ” નીતિનો ભાગ છે અને કાશ્મીરમાં આતંકી ઇકોસિસ્ટમને નાબૂદ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.


