
- પેસેન્જર ફ્લાઇટમાં 6856 કિમીનું અંતર 9 કલાકમાં કાપી લંડનથી બે વાઘ લવાયા
- એર ઈન્ડિયાના વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરામાં વાઘ પુરાયા હતા,
- એરપોર્ટ પર બન્ને વાઘનું હેલ્થ ચેકઅપ કરાયું
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ વિમાની મથકે લંડનથી આવેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં બે વાઘને લવાયા હતા. બન્ને વાઘ માટે વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરા મુકીને એમાં વાઘને રખાયા હતા. એરપોર્ટ પર પાંજરા સાથે બન્ને વાઘને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. આ સમયે વન વિભાગ, કસ્ટમ વિભાગ અને અન્ય વિભાગોના તેમજ રિલાયન્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બન્ને વાઘની આરોગ્ય ચકાસણી બાદ ક્લીયરન્સ અપાયા બાદ રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રાણી બચાવો સંરક્ષણ અને પુન:વસન કેન્દ્ર વનતારા, જામનગર ખાતે મોકલી અપાયા હતા.
એર ઇન્ડિયાની શનિવારે મોડી રાત્રે લંડનથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં બે વાઘ લાવવામાં આવ્યા હતા. પેસેન્જર ફ્લાઇટમાં અંદાજે 200 પેસેન્જર હતા. બંને વાઘને કાર્ગોમાં ખાસ પ્રકારના પાંજરા બનાવી પુરવામાં આવ્યા હતા. સામાન્ય પણે હિંસક પ્રાણીને સ્પેશિયલ કાર્ગો વિમાનમાં લવાતા હોય છે પરંતુ પહેલીવાર પેસેન્જર ફ્લાઇટના કાર્ગોમાં વાઘને લાવવા ખાસ વ્યવસ્થા કરાઈ હતી. 6856 કિમીનું અંતર કાપી ફ્લાઇટ 9 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. પાંજરામાં જ બંને વાઘ માટે ખાવા-પીવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. વાઇલ્ડ લાઇફ એક્ટના નિયમ મુજબ બંને વાઘનું કસ્ટમ ક્લિયરન્સ કરવામાં આવ્યું હતું. એ પછી બંનેને જામનગર મોકલાયા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રાણી બચાવો સંરક્ષણ અને પુન:વસન કેન્દ્ર વંતારા ખાતે મોકલી અપાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ નિયમ મુજબ બંને વાઘ માટે કસ્ટમ ક્લિયરન્સ લેવામાં આવ્યું હતુ. વિદેશથી આવતા પ્રાણીઓ માટે કસ્ટમ ક્લિયરન્સની લાંબી પ્રક્રિયા હોય છે. પ્રાણી માટે ડીજીએફટીનું લાઇસન્સ લેવું પડે છે તેમજ તેને રસી મુકાઈ છે અને કોઈ રોગ નથી તેવું હેલ્થ સર્ટિફિકેટ પણ ઇશ્યૂ કરાય છે. કોઈપણ એરપોર્ટ પર ઉતર્યા પછી ફરજિયાત હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવતું હોય છે.(File photo)