અમરેલી, 02 માર્ચ, 2026: Two youths die after truck hits bike on Bhavnagar-Somnath highway ગુજરાતમાં તેજ રફતારને લીધે હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જાફરાબાદના ભટ્ટવદર ગામ નજીક ગત મોડી રાતે એક ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત નિપજ્યા હતા.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભટ્ટવદર ગામ નજીક પસાર થઈ રહેલા બાઈકને પૂરપાટ ઝડપે આવતી ટ્રકે અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં બાઈક સવાર રમેશ સાંખટ અને મનુ સાંખટ નામના બે યુવાનોના મોત થયા છે. રમેશ સાંખટનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મનુ સાંખટને ગંભીર હાલતમાં રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ જાફરાબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત પાછળ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી જવાબદાર છે. સ્થાનિકોના કહેવા મુજબ હાઈવે પર બોક્સ કલ્વર્ટ (નાળા) નું કામ લાંબા સમયથી અધૂરું છે. તંત્રએ કામ પૂરું કરવાને બદલે ત્યાં માટીના મોટા પાળા બનાવી દીધા છે, જેના કારણે વાહનચાલકોને રસ્તો દેખાતો નથી અને અકસ્માત સર્જાય છે. છેલ્લા 5 વર્ષથી આ રોડ પર અનેક જીવલેણ અકસ્માતો થયા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી નિષ્ક્રિય છે. હજુ સુધી બોક્સ કન્વર્ટનું કામ શરૂ કરવામાં આવ્યું નથી, જે વારંવાર અકસ્માતનું કારણ બની રહ્યું છે.


